taDko–1 - Mukta Padya | RekhtaGujarati

પરોઢનાં ઝાકળમાં તડકો

પીગળે

પીગળે પીગળે પડછાયાના પ્હાડ,

ને આંસુમાં

ડૂબતી તરતી

તરતી ડૂબતી

અથડાતી ઘૂમરાતી આવે

થોર તણી કાંટાળી લીલી વાડ,

વાડ પરે એક બટેર બેઠુ બટેર બેઠું બટેર બેઠું

ફફડે ફફડે ફફડે એની પાંખ.

દાદાની આંખોમાં વળતી ઝાંખ.

ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી

આછા આછા

અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા

આછા

ઠક્ ઠક્ ઠક્ ઠક્ અવાજમાં

હું ફૂલ બનીને ખૂલું

ખૂલું

ઝાડ બનીને ઝૂલું

ઝૂલું

દરિયો થૈને ડૂબું

ડૂબું

પ્હાડ બનીને કૂદું

કૂદું

આભ બનીને તૂટું

તૂટું તડકો થઈને

વેરણછેરણ તડકો થઈને

સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું.

મારી કર કર કોરી ધાર પીગળતી જાય.

પીગળે પીગળે પડછાયાના પ્હાડ!

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005