kyan chhe? - Mukta Padya | RekhtaGujarati

ક્યાં છે?

kyan chhe?

જયન્ત પાઠક જયન્ત પાઠક
ક્યાં છે?
જયન્ત પાઠક

જાંબુડાના ઝાડ ઉપર લટકતો

લીલો લીલો મારો સૂરજ ક્યાં છે?

કયાં છે મારા ખેતરખૂણાના કૂવામાં

કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો

ભોળો ભેાળો અંધકાર?

પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં

આળખેલો

ડુંગર ફરતો, ચકરાતો ચીલો કયાં છે?

ક્યાં છે મારી પથ્થર વચ્ચે

પાણી લઈને વહેતી

શમણાં જેવી નદી?

વનપરીના નાનકડા ખોબા જેવી

તરંગની આંગળીઓ વચ્ચે

પવન રમાડતી

પેલી મારી તલાવડી ક્યાં છે?

ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,

ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં

અંધારાની કાળી ગાયને દહોતી મારી બા?

ક્યાં છે....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983