suraj - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૂરજ રમતો ભમતો ઊગ્યો.

ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો.

ને વનકન્યાના કેશકલાપે

આવળિયાનું ફૂલ થઈને મલક્યો.

ફૂલ ઉપરથી પવન બનીને છૂટ્યો

ને નવજાતક પંખીની ચાંચે

સૂર બનીને ફૂટ્યો.

વૃક્ષ તણી ડાળીએ બેસી

નીડ બનીને ઝૂલ્યો;

ઘૂવડની આંખો શોધીને

અંધકારમાં પોતાનેયે ભૂલ્યો!

કોણે એને ઊંચકી ત્યાંથી

કોક કવિની નિશ્ચલ આંખે મૂક્યો

કે નવપરિણીતના શયનાગારે

ચાંદરણું થઈ ઝૂક્યો!

સ્રોત

  • પુસ્તક : કિમપિ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1983