patangatha - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કર્દમપલ્લી મધ્યે કુંભિપાક

નિશદિન ફરતો પંક વચાળે ચાક.

ચાક પર કૈંક સમયનાં વ્હાણ નાંગરે,

ઇચ્છાઓના વ્હાણ પાંગરે

ચહુદિશ પ્રસરે ધગધગતો રે લાવા..…

લાવા તિરાડ વાટે ખીણમાં ઊતરે

અને સજીવન થાય ક્ષણમાં કાષ્ઠપૂતળી.

કાષ્ઠપૂતળી પૂછે મારી ર૩ ઑગસ્ટ ક્યાં છે?

કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯પર ક્યાં છે?

કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?

કાષ્ટપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી ક્ષણ ક્યાં છે?

કાષ્ઠપૂતળી પૂછે:

ક્યાં છે મારું પૂર્વજની પાર ઊભેલા

પૂર્વજનું સંધાન? અનુસંધાન?

અનુ ને નાસિકાની વચ્ચે

મારાં બંધ રહ્યાં જે દ્વાર

અવિચળ દુર્ગાવસ્થાનો વેંઢારે ભાર...

તથાગત! પ્રગટપણે હું દુર્ગ કાષ્ઠનો.

અને દુર્ગના કોઈ અજાણ્યા સન્નિવેશે

અવલંબે અવકાશ.…

મારો શ્વાસ કે મારો લાવા જઈને

કોઈ અજાણ્યે પ્રાન્ત પખાળે પગનું તળિયું

પગનું તળિયું લગરીક સ્પર્શે

ત્યાં તો

મારો પિણ્ડ સમૂળગો બ્હેરો, ઘેરો.

રે કથ્થાઈ કદમવત્ જનન અંગનો પ્રાણ

સજીવન સ્ખલનકર્મને ઇચ્છે

પણ હું કાષ્ઠ.

કાષ્ઠને હોમું મારા લાવા વચ્ચે,

અણુ અણુ લોપાવા વચ્ચે

અને પ્રગટતી વ્યુત્પત્તિને ભાળું-

૧૯પરની ર૩ ઑગસ્ટ પૂર્વે

ગામ શેખડીની સરહદની પાર હતો હું

ઝબક ઝબક અજવાળું.

કોઈ અનાદિ સ્વર્ગવૃક્ષની છાયાઓમાં

મને સાંધતો મારી સાથે હું વિચરું છું.

મન્વન્તરની ભરી પિયાલી બ્રહ્માંડોના બ્રહ્માંડો ઓગાળી તેમાં

પાન કરું છું મારું

ત્યાં તો

ઘેનિલ આંખે મેં મારો અશ્વમેધ પડકાર્યો

ને

હું ઢળી પડ્યો થઈ કાષ્ઠપૂતળી ઑગસ્ટ

ર૩, ૧૯પરને કાંઠે

ચાક ઉપર ફરતા કુંભિપાકને માંથે.....

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : જયેન્દ્ર શેખડીવાળા (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : જયેન્દ્ર શેખડીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2020