શિશિરની રાત-૨ (યૌવનની નજરે)
shishirnii raat (yauvannii najare)

શિશિરની રાત-૨ (યૌવનની નજરે)
shishirnii raat (yauvannii najare)
ફકીર મહમ્મદ મન્સૂરી
Fakir Muhammad Mansoori

આ શિશિરની રાત!
મસ્તાન મોસમની મળી સોગાત!
તરવર થતા પ્રત્યંગમાં સંગીતના શા તાલ!
નસનસમહીં
ઉષ્માસભર વેગેભર્યા
આ રક્તની શી ઠેક દેતી ચાલ!
કેટલી રળિયાત!
આ શિશિરની રાત!
ટક્ ટક્ થતી
(કા મધુરતમ સૂરીલ ગીતની ધ્રુવકડી)
ઘડિયાળ વેગે રાસ રમતી!
ને નશામાં ચૂર ચખ રમણે ચઢેલાં!
નૃત્ય કરતાં અંગ આ સોને મઢેલાં,
અંધારનું અત્તર લગાવી
સ્વપ્નનું બિસ્તર બિછાવી
જિંદગીને સોડમાં લઈ
ખોઈ બેઠાં જાત!
આ શિશિરની રાત!
જાગરણ (જાણે છલકતો આરજૂનો જામ)
ને નિંદ (જાણે તૃપ્તિનો પયધૂંટ)
ની પાંખે વિહરતી
આ યુવા ના ગાત
હોત ના જો આ શિશિરની રાત!



સ્રોત
- પુસ્તક : ઈજન (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : ફકીરમહંમદ મનસુરી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1968