shabdno janm - Mukta Padya | RekhtaGujarati

શબ્દનો જન્મ

shabdno janm

ભૂપેશ અધ્વર્યુ ભૂપેશ અધ્વર્યુ
શબ્દનો જન્મ
ભૂપેશ અધ્વર્યુ

વ્યોમના વિરહમાં સૂર્યએ શબ્દનો સંગ છોડી દીધો.

કરુણ રે કરુણ કૈં કિરણને ખેરતાં-વેરતાં દિવસ ચાલ્યા ગયા.

ઉદધિના કંપની ચમકમાં, પૃથ્વીના તૃણ ફૂટ્યા સ્પંદમાં, પુષ્પની ગંધમાં

પંખીના પિચ્છના કેશના રંધ્રમાં

ને હવા છંદમાં

ભળ્યાં-ઓગળ્યાં-વિસ્તર્યાં પ્હાડના પ્હાડ થૈ

ને

ઊંચી ડોકથી, ગગનથી કૈં નીચા, સૂર્યને જોઈને હાસ્યના હડકવામાં મચ્યાં.

સૂર્ય.

નિષ્કંપ.

દોડી રહ્યો.

જ્વાલમાં ભભૂકતો, કરુણ રે કરુણ ને તોય તે ચમકતા કિરણનો સ્વામી એ.

ઓ! નીચે, કૈં બીના કૈં બીના કૈં બીના એહવી ઘટી ગઈ, ઘટી ચૂકી.

જેહને પામવા ચોદિશાની ઊની લૂ મહીં આવતા સાવ ઝીણા ધીમા કંપમાં

કાન બોળી દીધા. (કાન કોણે બોળી દીધા? કર્તા સ્પષ્ટ નથી)

કિરણની જાળ આખ્ખી પ્રસારી, ઝુકાવી;

મહીં પૃથ્વીની સૃષ્ટિનો શબ્દ તોયે ફસાવ્યો ફસાયો નહિ.

કિરણ સૌ કરુણતાને ત્યજી

ઉદધિના કંપની ચમકમાં, પૃથ્વીના તૃણફૂટ્યા સ્પંદમાં પુષ્પની ગંધમાં

પંખીના પિચ્છના કેશના રંધ્રમાં

ને હવા છંદમાં

એટલાં હળી ગયાં;

ભળી ગયાં!

બાકી જે કૈં રહ્યાં

બધાં

તડકીલું ટોળું થૈને ઊડ્યાં ઉપર ઊંચે ઊંચે પામવા—

સૂર્ય છે, શબ્દ છે, કિરણ છે, ઝાંઝવાં જેવડું ઉપરનું ઘાટીલું ગગન છે,

સૂર્યને

શબ્દનો, વ્યોમનો, કિરણનો વિરહ છે.

‘દોડવું’યે નથી, ‘ભભૂકવું’યે નથી.

દૃષ્ટિ

છે.

સૂર્ય અવકાશમાં

છે.

હજુ

છે.

તીવ્ર બ્રહ્માંડમાં સર્વથી પ્રથમ હાં સૂર્યના ગર્ભમાં ફરકતો શબ્દનો શ્વાસ—

સ્રોત

  • પુસ્તક : પ્રથમ સ્નાન (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : ભૂપેશ અધ્વર્યુ
  • સંપાદક : મૂકેશ વૈદ્ય, જયદેવ શુક્લ, રમણ સોની
  • પ્રકાશક : ધીરેશ અધ્વર્યુ
  • વર્ષ : 1986