shaant kolaahal - Mukta Padya | RekhtaGujarati

શાન્ત કોલાહલ

shaant kolaahal

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
શાન્ત કોલાહલ
રાજેન્દ્ર શાહ

રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં

ગુલ્મને આંગણ

પારિજાતની સુગંધ મીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં.

પણે ચણે ધૂલિથી ધાન્યના કણ

ટોળે મળી કાબર, ચાષ

કલ્‌બલ તે કેટલી?

ચંચલ કૈં!

અકારણ ઊડી જતાં ડાળ વિષે

અને ફરી તુરંત ભેળાં વળી ધૂળમાં!

ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત

હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા

ઘર, હાટ, ઘાટના...

વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ

ડ્હોળાય આખો અવકાશ

રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ!

સુષુપ્તિનો જે અનુબોધ

કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 40)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ