shahamrigo - Mukta Padya | RekhtaGujarati

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક

શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં

શાહમૃગોને ફરતો દીવાલ કેરો પ્હેરો

શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો

શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો

જોઈ જાતી આંખો

શાહમૃગોને જોવા આવે નગર

શાહમૃગોને જોવા આવે ગામ

ગામની સીમ

સીમમાં ઘુઘરિયાલી વ્હેલ

વ્હેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો

કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી’

વાતો કરતી

વાતોમાં શાહમૃગોનાં સપનાં જોતી

શાહમૃગોને રૂપે મ્હોતી

શાહમૃગોને કહેતી

શાહમૃગો શાહમૃગો, અમને વરવા આવો

અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો

પૂતળીઓએ

બાળપણમાં હોળી-ખાડે વ્હેલી સવાર

કંકુ છાંટી-દીવો મૂકી-કરી નાગલા-કર જોડીને

ઘર માંગ્યું 'તું શાહમૃગોનું

વર માગ્યા’તા શાહમૃગોના.

શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે

પરીઓ સાથે આવે

શાહમૃગો તો

હવે વૃદ્ધની બધી બોખલી વાત વાતમાં આવે

શાહમૃગો પર

મૂછનો દોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ

શાહમૃગો પર

સોળ વરસની કન્યા ખુશખુશ

શાહમૃગોની પાંખે મોહ્યો તડકો

રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો

શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે

હવા ચૂમતી જાય.

વાડે રાખ્યાં શાહમૃગો તો

લળકત લળકત ડોકે

જુએ દીવાલો

જુએ ઝાંપલો

કદી કદી આકાશે માંડે આંખ

પ્રસારે પાંખ

છતાંયે કેમે ના ઊડાય

શરીર બાપડું ભારે એવું

પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.

એક સવારે

આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ

સાવ ઝાંપલો ખુલ્લો

શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી

બુમરાણ મચાવી આંખોએ કે

શાહમૃગો તો ભાગ્યાં.

બૂમ પડી ને ઘર કંઈ વ્યાકુળ

બૂમ પડી ને શેરી વ્યાકુળ

આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું

ગામે વાત કરી નગરોને

નગર નગરની ભીંતો દોડી

શેરી દોડી

રસ્તા દોડ્યાં

મકાન દોડ્યાં

બારી દોડી

ઉંબર દોડ્યાં

બાર-ટોડલા દોડ્યાં

દુકાન દોડી

દુકાન-ખૂણે પડયાં ત્રાજવાં દોડ્યાં

શાહમૃગોનાં રૂપનાં પાગલ સહુ રે દોડ્યાં.

શાહમૃગો તો સહુને પાછળ આમ આવતાં જોઈ

બમણી તીર-વછૂટી ગતિએ નાઠાં

ક્યાંક ભડકતા ભાગ્યાં હફરફ....હફરફ....

આખા પંથે ધૂળ ઉડાડી હફરફ....હફરફ.....

ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરફ......... હફરફ.....

ધૂળથી આખું આભ ઢાંકતાં જાય

દોડતાં જાય

ક્ષિતિજની પાર નીસરી જાય

દૂર દૂર તે ક્યાંક ઊતરી જાય

ક્યાંય...

શાહમૃગોના પગની ધૂળે

હજીય કંઈ વરસોથી આજે

ગામ ગામ અટવાય

નગર નગર અટવાય

ભીંત ભીંત અટવાય

શાહમૃગોનાં રૂપની પાગલ આંખે

ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત

આંખ ચોળતાં લોક દોડતાં પૂછે:

શાહમૃગો પકડાયા?

શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો

જોઈ જાતી આંખો પૂછેઃ

શાહમૃગો ક્યાં છે? ક્યાં છે?

શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ:

શાહમૃગોને લાવ્યા?

ઘડી વિસામો લેવા બેઠો

વડની છાંયે વૃદ્ધ બબડતોઃ

ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો

હવે અટકશે ક્યારે, ક્યારે, રામ?

શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 261)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004