sandhygit - Mukta Padya | RekhtaGujarati

સાંધ્યગીત

sandhygit

નલિન રાવળ નલિન રાવળ
સાંધ્યગીત
નલિન રાવળ

પર્ણપોચી વૃક્ષટોચે

ઝૂલતા કો પંખી શો

સાંજતડકો

ભુખરા ઢોળાવ પર ઝૂલે,

પવન નાની નદીના કાનમાં કૂજે,

હળુ હલતી અટકતી ડોલતી આકાશમાંથી ઊડે

ફૂલે પથરાયલી ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો

સાંજતડકો

સ્હેજ ડોલ્યો.

શાંત નાના છંદ જેવી એક બાલા

રમ્ય લયમાં કાય ઝૂલવી; તારકો જેવાં ચળતાં ડગ

ભરી ગોરાં;

ધીરે ઢોળાવ ઊતરી

દૂર નમતા સુર્યની સન્મુખ જઈ ઊભી

અહીં

આવી રહેલી સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર

શું જોઉં?

ભીની પાંપણોની ધાર

રમતો સ્નેહપોચો ગાઢમીઠો રવભર્યો અંધાર

કે

તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973