sandhyakale - Mukta Padya | RekhtaGujarati

સંધ્યાકાળે

sandhyakale

સંજય પંડ્યા સંજય પંડ્યા
સંધ્યાકાળે
સંજય પંડ્યા

સંધ્યાકાળે, ઝાલરટાણે

ઘંટનાદથી છૂટો પડેલો

રણકો જઈને,

પવનપુત્રનું મસ્તક અમથું ચૂમે.

પાદર પરના ઘેઘૂર

વટવૃક્ષ છલોછલ

હરિતવર્ણી કાયા ઉપર

તડકાને ત્રોફાવે.

કોયલ, મેના, પોપટની

કંઈ કંઠસરિતા વહેતી જઈને

ગામ આખાની

બાથ લઈને ઝૂમે.

રાવણહથ્થે ઘેલું થાતું

ફળિયું આખ્ખું હરણસમાણી

લાંબી ડાંફો ભરતું દોડે

રાંદલમાને દેરે.

સીમ ઉલેચી પાછું ફરતું

ગાય ભેંસ, બકરાંનું ટોળું

ધૂળછવાયા પાદરને જ્યાં

ખરીઓથી ધમરોળે...

સંધ્યાકાળે...

સ્રોત

  • પુસ્તક : તાજી હવાનો કૅફ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : સંજય પંડ્યા
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2003