unt - Mukta Padya | RekhtaGujarati

હતા દીવાલે ગયા સમયના

ઠાઠ અને અસબાબ સમા કૈં

ઝૂલ, ચાકળા, કાંધી, તોરણ, ભેટ અને તલવાર, કટારી;

પરસાળ વચાળે

અમીયલ નેણાંવાળી બાયું

સુપડે સોતી ઘાન

કાંબીના રણકા ‘શું હસતી’તી,

હતા આંગણે લીમડા હેઠે

ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ

મૂછોના તાવ

કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં

ઝગતા તેગઝર્યા અંગાર

અને ત્યાં દૂર

સમયને કાંધે લઈ

ગાંગરતું ઊભું ઊંટ

વાટ કોઈ નવી ખેપની જોતું,

જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર

હવાની શી લાગી કૈં ગંધ

અચાનક થડકી ઊઠ્યું-

કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ

ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું

વાંભ વાંભની ઠેક ભરીને

હટફેટે ઘર ધડુસ્ કરતું

પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન

હાફતું ઊભું ગામને છેડે

હાંફતું ઊભું ગામને છેડે

હાંફતું ઊભું ગામને-

અને હવામાં હવે તરે છે

ગીધ સમી મડદાંની તીખી ગંધ,

સાંજની રુંઝ્યું ઢળતાં

ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન

ગણે છે ઝાળ ચેહની,

વિખરાયેલા વાળ, ચીંથરેહાલ સુરત લઈ

નગરની તૂટી મોતનમાળ નિરખતી

સ્તબ્ઘ ધરા પણ

હજુ રહી છે કંપી!

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007