રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
રણ
Ran
જયન્ત પાઠક
Jayant Pathak
સૂર્યપાંખથી ખરખર રેત ખરે
ઊંચી ડોકે ઊંટ આભનો
તડકો ચરે.
પગલાંમાં પડછાયા તફડે
પેટભરેલું પાણી ખખડે
બળી ગયેલા કાગળ જેવું બરડ
પવનની ચપટીમાં ચોળાઈ
મેશ થૈ આભ
આંખથી દદડે.
રણદ્વીપોનાં લીલાં છોગાં
મૃગજળ ઉપર તરે.
કયાં છે હરણ?
ક્યાં છે પેલું બદામરંગી મરણ?
ઊંચીનીચી ઊંટગતિનાં મોજાં ઉપર મોજાં
ઊછળે
ઢળે.
સ્રોત
- પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1978