gajagrah - Mukta Padya | RekhtaGujarati

ઢોલ નગારાં ત્રાંસાં ચીસો

હાથી ઊંચીસૂંઢ લથડતીપૂંછ ઉછળતેપાય

બ્હીકથી આમ તેમ રે ફરી ફરીને

આમ તેમ

પડઘાતા ને અથડાતા હાથી જંગલ નાસાનાસ

શ્વાસ તો અઘરા એથી ઝાઝા મઘરા જેવા ભીંસી વળગ્યા ગળાડૂબ નિઃશ્વાસ

ઠગરા જાણે ખાડો ઢાંકી ઘાસ

ઘાસના વિશ્વાસે દે જય જય શંભો

ફસડાયો ફસ ફાંસ

હંબો હંબો હાથીડો

મંબો જંબો હાથીડો

આંતરડાં સળવળતાં વિહ્વળતાં વલવલતાં જાય ઘોર ઢોલ ઢોલ ઢોલ

બંધ જડબેલા કિલ્લાના દરવાજા ખોલ

બોલ હંબો હંબો

હાંફ હાંફ

બોફ બોફ

ઘામ ઘામ

રામ રામ

ગોળ ગોળ ચોક ચોક નાચ નાચ હાથીડો

ઝાંઝર ઝણકે ઘુઘરી રણકે ડબ્બા મહિં સાંઠીકાં ખખડે થાળી પીઠે વેલણ વાગે

ઘંટી બાજે ગાજે ગેબી ગગનગુંજતા ઘંટ

તૂટે શ્વાસ તોતડી જીભ રેતિયા કંઠ

છાતી બિચ ના સમાય કે ના સહાય તે ધબકારા

હે હૈયાના વાસી અંતર્યામી મારા

રણમાં થરથર કંપિત ટીટોડીની પાંખો પોચી પાંપણ બિચ બે સંતાડી રાખેલાં ટીપાં

ઈંડામાંથી અરધાં પરધાં અંધ અવાચક

ઘંટ

ઘંટ

તો સાવ અચાનક

ચૂપ બંધ ઢાંકીને છાનાં

સંકોરી

પીછાં સંકેલી પાંખ

હજી જે ડગલું એકે ચાલ્યા નહિ તે પાય ટૂંટિયું વાળી

ગરુડે ચડીને આવો શ્રીહરી

કુંજરની વ્હારે ધાવો નરહરી

પાપ પદારથ લિયો પરહરી

પડી ગાંઠ ઉકેલો બળી સિંદરી

વળ ખાતી આવરા છેડા સાચ જૂઠ બિચ હમ તુમ પ્રભુજી તુમ અંબર હમ હાથી

પ્રભુજી તુમ ચંદન હમ પંક પડેલા

દાદુર મોર બપૈયા નાચે

તાળી પાડે છોકરાં

મામા લાવે ટોપરાં

શેરીએ શેરીએ દીવા કરું

ને પ્રભુજી તુમસે વિવા કરું

વરઘોડામાં હાથી ને હાથીને માથે અંબાડી

અંબાડીમાં પોઢ્યા પ્રભુજી

પીપળ પાને પોઢ્યા પ્રભુજી

અડધી ઊંઘે કુંજર તાણી સૂંઢ ખેંચતો પૂંછ

કોને કોણ બચાવે ચાવે જડબાં ભીંસી મગર મજાથી પોતાની રે પૂંછ

એકમેકને ખેંચે ઊડે પાણી ઊડે ધૂળ ફુવારા

ઢોલ નગારાં

ત્રાંસાં ચીંસો

જંગલ જંગલ હાથી નાસાનાસ

શ્વાસ તો અઘરા એથી ઝાઝા ઠગરા રે નિઃશ્વાસ

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 225)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004