ek prashnapatr - Mukta Padya | RekhtaGujarati

એક પ્રશ્નપત્ર

ek prashnapatr

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
એક પ્રશ્નપત્ર
ઉદયન ઠક્કર

૧. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની

વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

ર. અને આમ તો તમે મારી વાટ જુઓ

છો, કેમ, ખરું ને...

‘હા’ કે ‘ના'માં જવાબ આપો.

૩. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને

આવ, મને પલળાવ!)

કૌસમાં લખ્યા પ્રમાણે કરો.

૪. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ

ફેરવી હું તો જાણે બેઠો'તો ત્યાં તમને

જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો

થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

પ. શ્વાસોચ્છ્વાસો કોને માટે? કારણ પૂરાં પાડો,

૬. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.

(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું.)

૭. ‘તમને હું ચાહું છું, ચાહીશ.' કોણે,

ક્યારે, કોને, આવી પંક્તિ (નથી)

કહી?

૮. હવે ખુલાસો. લે મારું નામ લખ્યું

કાગળ પર, તેને ચૂમો, નહિતર કેન્સલ

વ્હોટ ઇઝ નોટ એપ્લીકેબલ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 201)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981