piramiD - Mukta Padya | RekhtaGujarati

ઠરી ગયું દિશાઓમાં ઓગળેલું તાંબું,

ફરશુના ખચકારા જાબુંરંગી પાષાણોની ગુફાઓમાં ડૂબી ગયા.

વાવંટોળ તણો પેલો શમી ગયો આદિ લય.

ધનુષટંકાર થકી આંદોલિત હવાઓનાં વલય વિલીન થયાં.

ભસ્મીભૂત સંચિત સકળ થયું ધૃતરાષ્ટ્રો સામે.

અઢારમી રાત એવી કેટલીયે કુરુક્ષેત્રે ઊતરીને

મહાશૂન્ય ઓઢી લઈ પોઢી ગઈ.

અવકાશ ફરીથી ભરાઈ ગયો,

ધીરે ધીરે ઊગી આવ્યું કુમકુમ,

જડી આવ્યું વેળું મહીં સોનું,

શોધી લીધા નિકષ ને

ઊભી થઈ અપેક્ષાઓ પરિણામો તણી,

આચારસંહિતાતણાં વહેંચાયાં ભુર્જપત્ર,

અલંકૃત આવરણ પ્હેરી બેઠા સિસકારા,

ચીનાંશુક ધરી રહી દિગંબર ભૂમિ.

મધુવન, મહાલયો, મિનારાઓ,

સંગેમરમરમહીં રંગભરી રેખાઓમાં સાંકળેલ સંસ્મરણો,

બાંધી બાંધી કર્ણપ્રિય કરેલ અવાજો,

એવું એવું વણી લીધું, વણી લીધું,

નિખિલમહીંથી થોડું વીણી લીધું,

અવશિષ્ટ અતિશય રહી ગયું

મનની પછીતે સાવ વિસ્મારિત,

એના પર સંચિતનો પિરામિડ રચી સહુ બેઠા છીએ,

જ્વાળામુખી નથી, તો વ્યતીતનો પિરામિડ,

ક્યાંક ક્યાંક તિરાડો પડી છે છતાં જ્વાળામુખી નથી,

ક્યાંક ક્યાંક ભીતરના તાપ થકી પતરી ખરી છે

છતાં જ્વાળામુખી નથી.

આપણે બધાંયે વસ્યાં જેના પર

સાચે નથી, જ્વાળામુખી નથી.

સ્રોત

  • પુસ્તક : તમસા (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : 3