phauntanna basastaup par - Mukta Padya | RekhtaGujarati

ફાઉન્ટનના બસસ્ટૉપ પર

phauntanna basastaup par

નિરંજન ભગત નિરંજન ભગત
ફાઉન્ટનના બસસ્ટૉપ પર
નિરંજન ભગત

અહીં વહી રહી હવામહીં અનન્ય વાસ,

એક તો લઈ જુઓ જરીક શ્વાસ!

અનન્ય કે અજાણ ડૅન્ટિને ન'તી, હતી ન પારકી,

હતો પ્રવાસ એહનો ય તે (સુભાગ્યવંત) નારકી.

અહીં ન હૉસ્પિટલ, ન સ્લૉટર હાઉસ, ને વળી નથી સ્મશાન,

તે છતાં અહીં હવા છ ઉષ્ણ, મ્લાન.

ખીલતાં અહીં ન ફૂલ,

એટલે જ તો કદીક એમનાં પ્રદર્શનો

ભરાય, એકસાથે ફાલ જ્યાં સમગ્ર વર્ષનો;

છતાં ય મોસમો બધી કળાય છે, ન થાય ભૂલ,

ફૂલથી નહીં, ન શીત-લૂ થકી,

પરંતુ સ્મૉલપૉક્સ, ટાઇફૉઇડ, ફ્લૂ થકી.

ઊગ્યાં છ એમ તો અહીં ય (ભૂલથી જ?) જૂજ વૃક્ષ,

વ્યર્થ? ને વિચિત્ર? ના, કદાચ એ જ એક આશ

કે હજી થયો ન સર્વનાશ;

કિન્તુ સર્વ સંગનો સુયોગ લાધતાં વિરૂપ, રુક્ષ,

શૂન્ય મ્હેફિલો સમાં, જહીં ન ગુંજતાં વસંતના સ્વરે

વિહંગવાદકો (અહીં કશું ન મુક્ત, સૌ વસે છ ચીડિયાઘરે);

સદા ય નિઃસહાય ને લજાય કિંતુ ક્યાં લપાય?

એમને મળ્યા નહીં મનુષ્ય જેમ પાય,

જો મળ્યા જ હોત, ક્યારનાં થયાં ન હોત ચાલતાં?

શિલાસિમેન્ટલોહકાચકાંકરેટ પાસ વામણાં, વિશેષ સાલતાં.

અહીં જનાવરો કરે ન આવજાવ એમ સ્પષ્ટ છે નિયમ,

અપાર એમની ભણી સહાનુભૂતિ, સ્નેહ; ઝૂ રચ્યું, રચ્યું છ મ્યૂઝિયમ

છતાં અહીં વહી રહી હવામહીં અનન્ય વાસ!

આ હવા નથી, અગણ્ય આ નિસાસ,

જે અહીં તહીં સદા ભમે, નભે ન નિર્ગમે,

ગ્રસે વિશાલ જાલ ટ્રામના અનેક તારની, કદી ય ના શમે.

નિસાસ? હા, અસંખ્ય લોકના નિસાસ માત્ર,

સાથ તીવ્ર આર્તિના સ્વરો નહીં, ન ચીસ કે ન બૂમ,

જે બધું સુણ્યું હતું જ જ્યેષ્ઠ પાંડવે,

સુણાય એવું ના કશું ય આ અનન્ય તાંડવે;

અવાક વાહનો ય મૌન હ્યાં વિરાટરૂપ; શીતશાંત સર્વ ગાત્ર

ગ્રીષ્મમાં ય, સ્વેદસિક્ત; અગ્નિ ના છતાં ય ધૂમ!

કોણ આ અસંખ્ય લોક નિત્ય જાય હારબંધ?

પૂડલે પડ્યો શું પ્હાણ? મક્ષિકા સહસ્ત્ર શું ઘૂમંત ક્રોધમાં?

થવા અલોપ અગ્રણિ થતાં સદા ય એહની જ શોધમાં

હશે શું સર્વ અંધ?

નેત્રમાં વિલાય તેજ?

એકમેકની પૂંઠે થતાં, જતાં ખભેખભા ઘસી;

છતાં ન કંપ, સ્પર્શથી ન સેતુ એક બે જ વેંત દૂર બે ઉરો રચે,

સમીપમાં જ તારઑફિસે રચાય જે ક્ષણેકમાં હજાર માઈલો વચે.

ભર્યો છ અંતરે અપાર ભેજ;

ધુમ્મસે છવાયેલું, ન આંધી ના તૂફાન,

ચિત્તનું હજી ય મંદ વાયુમાન.

સર્વ આ કઈ દિશા ભણી રહ્યાં ધસી

સવેગ શી ગતિ!

તમિસ્રલોકની પ્રતિ?

હજી ન સૂર્ય અસ્તમાન, મંદ મંદ પશ્ચિમે શમે,

પ્રલંબ હોય છાંય સાંજને સમે,

છતાં ય કોણ આ સદા ય જેમની જ છાંય ના પડે?

ન સૂર્યની ય એમ તો કદી ય સાંપડે!

પ્રકાશબિંબ, દર્પણે ન, પથ્થરે પડ્યું શમે, કદી ય પાછું ના ફરે,

પસાર પારદર્શકે પડ્યું સળંગ આરપાર જૈ સરે.

હશે સ્વયં શું છાંય?

પ્રેત સર્વ, જેમને ન કાય?

કે પછી સદેહ કિંતુ નગ્નતા ન વસ્ત્રથી નિવારતાં,

હશે શું એટલે સદા ય જે સુલભ્ય તે સ્વ-છાંય ધારતાં?

જણાય સર્વનો જુદો સ્વભાવ,

કોઈને ક્ષણેકમાં અનેક ભાત ભાતનો;

અભિન્ન કોઈને સદા ય એક જાતનો;

અશબ્દ કિંતુ સર્વ, એકમેકમાં ન ભેદ,

વારિના પ્રવાહનો છરી થકી ન શક્ય છેદ;

સોગઠાં સમાન શેતરંજનાં, સમાન ચાલ,

હો ભલે જ કોઈ શ્વેત, કોઈ લાલ,

આભથી ધરા પરે શું અભ્ર હોય ઊતર્યું,

સ્વરૂપ ગોળ લંબગોળ કૈ પ્રકારનું ક્ષણે ક્ષણે ધર્યું.

સમગ્ર આ સમૂહ શો સ્મશાનયાત્રિકો સમો સરે.

અવાજ માત્ર પાયનો, ગભીર મૌન સૌ મુખે ધરે;

રહસ્ય મૃત્યુનું ન હોય શું પિછાનતાં,

ન શોક, શબ્દ ના વિરોધનો ય, મૃત્યુને પવિત્ર દુર્નિવાર માનતાં;

પરંતુ લાશ તો નથી ખભે, છતાં ય લાગતું વજન,

વિદેહ કો થયું નથી સગું સ્વજન;

પરંતુ હા, સુહામણી સુરમ્ય સ્વપ્નથી ભરી ભરી

અતીતમાં વિલુપ્ત ‘આજ’ ગૈ સરી!

સ્વયં હજી જીવંત એ જ એક માત્ર સર્વને પ્રતીતિ,

કિંતુ જન્મ તો થયો ન વા થયો ય હોય એ જ એક ભીતિ,

એટલે સદા ય જન્મનું પ્રમાણપત્ર સાથ રાખતાં,

ન અન્ય કોઈ એમની કને મતા.

ન આમ તો કશું ય એકમેકમાં સમાન

તો ય સર્વને ઉરે વિષાદવારુણી,

ન નીંદ, શાંતિ, હેતુ, હામ કે સ્વમાન;

જિંદગી અનંત શું કથા ન હોય કારુણી!

અધન્ય શું કદીક ક્યાંક આચર્યા અધર્મથી?

અહીં પ્રચંડ શોકપાવકે પડ્યાં અઘોર વાસના કુકર્મથી?

સદા ય યાતના દહે, સહે છ સર્વ દીન,

પાપત્રસ્ત, શાપગ્રસ્ત સર્વ નામહીન.

કોઈનું ન નામ જાણતો,

પરંતુ એક વાત તો પ્રમાણતોઃ

કદીક બેપતા જહાજના મુસાફરો તણી થશે પ્રસિદ્ધિ નામ-આવલિ

હશે જ એમનાં ય એ વિશે – સમસ્ત દ્વીપ આ કદીક તો થશે

સમુદ્રમાં બલિ;

કદીક આ વિરાટ ગ્રંથ વિશ્વનો સમાપ્ત તો થશે,

જરૂર એમનાં ય નામ ‘છાપભૂલ’માં હશે.

સમગ્ર આ સમૂહ સ્વપ્નમાં લહું સરી જતો?

શું એમનું વિચારતાં હું મારું નામ વિસ્મરી જતો!

અશક્ય હ્યાં સ્મૃતિ,

અહીં નરી જ વિકૃતિ,

મને જ હું અજાણ લાગતો,

ન ખ્યાલ ને રહું પુકારતોઃ ‘નિરંજન ઓ!’

થતો ન અર્થ, માત્ર અક્ષરો, કંઈ સ્વરો કંઈક વ્યંજનો;

સવિસ્મય પ્રતીક્ષતો, રહું જવાબ માંગતો,

ન સ્વપ્ન કે ન જાગૃતિ,

હવે રહી નહીં ધૃતિ;

સુણાય શબ્દઃ ‘છે ભરો!’,

જરીક વાર હૈ સુણાયઃ ‘દો કમી કરો!’;

અહીં થકી ય બસ અનેક છૂટતી,

છતાં ય ક્યૂ ન ખૂટતી;

મને હું મૂકતો પૂંઠે અચેત અન્ય ફૂટપાથ પે ઢળી જતો,

અસંખ્ય લોકના સમૂહની (ન ચિત્તની?) ભૂતાવળે ભળી જતો.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008