be chaar kawita lakhtan lakhtan - Mukta Padya | RekhtaGujarati

બે ચાર કવિતા લખતાં લખતાં

be chaar kawita lakhtan lakhtan

ઈન્દુ પુવાર ઈન્દુ પુવાર
બે ચાર કવિતા લખતાં લખતાં
ઈન્દુ પુવાર

બે ચાર કવિતા લખતાં લખતાં

અક્ષર બચારા હાંફી ગ્યા કૈં

અક્ષર અમારા થાકી ગ્યા કૈં

તેથી તો ઇચ્છું છું હું કે

અક્ષરને ચપટીમાં લઈને ચોળી નાખું

અક્ષરના પાણીનું પ્યાલું ઢોળી નાખું,

અક્ષર અમારી આસપાસમાં જોઈએ ના ભઈ,

અક્ષરનો કાનો માતર પણ

અહીં અમારા આંગણિયામાં જોઈએ ના ભઈ,

અક્ષરના ઈશ્વરની કાયા થરથર કંપે

અક્ષરના દર્શનને સારુ રોજ ઉમટતી.

લાંબી લચ કતાર કંપે.

ડંખે મારા રોમરોમ પર અક્ષરનું બ્રહ્મ

ગલી ગલીથી અક્ષર કાઢો,

અક્ષરથી સૌ ભરત ભરેલાં માણસ વાઢો,

વાઢો મારી આંગળીઓના વેઢા

જ્યાંથી હવે કદી ના ટપકે સૂકાં અક્ષરનાં રણ,

અક્ષરથી ચિતરેલા ઢગલો મકાન દેખી

રોજ આંખથી ટપકી જતું મોતી કાચું,

બધું કાચું

હું અક્ષરિયો મનુષ્ય કાચો.

અક્ષરથી ચિતરેલી સઘળી કવિતા કાચી.

હું અક્ષરના સંબંધ સાથે જીવનારો છું,

લાલપીળો પરપોટો.

મારે લાલપીળો પરપોટો થઈને ફૂટી જવાનું,

કાચું પાકું મોતી થઈને તૂટી જવાનું,

તેથી તો ઇચ્છું છું હું કે

અક્ષર વગર જીવવું છે મારે.

સંબંધ વગર જીવવું છે મારે.

સંદર્ભ વગર જીવવું છે મારે,

બાંધો મારી આસપાસમાં

લીલા ઘાસની ભાષાઓનાં તોરણ.

બાંધો મારા અગ અંગ પર

પક્ષીના કલરવથી ભરેલાં ઝુમ્મર લીલાં પીળાં.

મને સજાવો

આસોપાલવ આવળ બાવળ

મોર કબૂતર તેતર વેતર.

મને વધાવો પવન પાણી ને પર્વત,

સૂર્ય ચંદ્ર ને તારા

તમે કદી ના ચિતર્યા અક્ષર

હું હવે ના અક્ષર.

હું હવે તો

આસોપાલવ આવળ બાવળ

મોર કબૂતર તેતર વેતર

પવન પાણી ને પર્વત

સૂર્ય ચંદ્ર ને તારા.

પૃથ્વીને મસ્તક પર મૂકી

ડોલી રહેલો શેષનાગ હું.

જન્મહીન હું મૃત્યુહીન હું

ફૂલ સૃષ્ટિનું વિકસેલું હું

સ્હેજ સ્હેજમાં સ્ફુરી ઊઠેલું

હરતું ફરતું

રંગ રૂપ ને ગંધ વગરનું

કવન સ્વયંભૂ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981