adiwasini dikri - Mukta Padya | RekhtaGujarati

આદિવાસીની દીકરી

adiwasini dikri

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
આદિવાસીની દીકરી
દિલીપ ઝવેરી

મહુડાની હેઠળે

એકલ

કૂવે છાનેરા દેવ

ઘડો એક કોર મેલી

ઝૂકું

લીલાં પાણીમાં કોઈ દેખવા આઘોતરું

એક વાર કોળેલી નિંદરમાં

સાયબાએ

દીધુ 'તું ફડફડતું ફૂલડું કે કીધું'તું અકળિત વેણ

પડઘો એનો હું ગોતું ઊચા અંકાશમાં

ઓગળતું આભ ઢળ્યું કૂવાને કોડિયે

ઝગે કાંક ઝીણું ને ઓરું

મારી ભીંજેલી પાનીથી ઝણુઝણુતું કાંક

મારી પિંડીએ વળગીને સળવળતું

થડકાની બેઉ કોર તસતસતું

પાતળિયા પેટ વચે નાભ હેઠ થરથરતું

દૈ જાણે કૂવામાં ફેરફેર ગોતું

એકલું આઘોતરું ઓરું

છાની

મહુડાની હેઠ ઘડો મેલી હું એકલી

ને કૂવાના દેવ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1991 (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992