ek wriddhni sanj - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક વૃદ્ધની સાંજ

ek wriddhni sanj

નલિન રાવળ નલિન રાવળ
એક વૃદ્ધની સાંજ
નલિન રાવળ

અંધાર ધીરે ઓરડાની ભીંતને બાઝી રહ્યો.

તાપણીના તાપને સરખો કરી

બરછટ હથેળી

આંખમાં આવી ચડેલી ઊંઘને લૂછી

પડી પાસે જે તે ચીજને ફંફોળવા મથતી રહી.

હલબલ્યો અંધાર–

ને કો હણહણાટી અશ્વની

બેવડ વળ્યા આખા જરઠ દેહમાં ઊતરી ગઈ.

આગનો લબકાર ઊંડા અંધકારે વેગથી દોડી ગયો.

શંખનો રવ ઘોર મજ્જા-માંસ-અસ્થિ-નસનસે પ્રસરી વળ્યો.

બે આંખ

(વેરઈ જતી તૂટતી નજરને ગોઠવી)

જુએ :

અઘર પરની ભીંસ... ને કાળી ચમકતી ભ્રૂ પરે પ્રસ્વેદનાં ટીપાં,

અને બે સ્નિગ્ધ સ્તનનો કંપ...

બે કાન

(વેરઈ જતા તૂટતા અવાજો ગોઠવીને)

સાંભળે :

ભીના ગરમ બે હોઠમાંથી એકદમ ઉચ્છ્વાસમાં

ઊથલી પડેલા શબ્દનો છણકો, ‘અરે, ચાબુક જો ચોડી દીધો!’

બરછટ હથેળી

આંખમાં આવી ચડેલી ઊંઘમાં લૂછી

પડી પાસે જે તે ચીજને ફંફોળવા મથતી રહી.

વૃદ્ધનો આછો ફફડતો શ્વાસ

ત્યાં બબડી ઊઠ્યો, ‘ચાબુક રે ચોડી દીધો!’

સ્રોત

  • પુસ્તક : અવકાશપંખી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : યોગેશ જોષી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2015