ne ae j tun - Mukta Padya | RekhtaGujarati

ને એ જ તું?

ne ae j tun

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ને એ જ તું?
રાજેન્દ્ર શાહ

તું જ? જેની

હથેલી તો નાગરવેલ કેરા

કૉળેલ કોઈ નવ પણ જેવી

સ્પર્શી હતી શીતલ લાલિમા ભરી?

ને તું?

જે કાંટાળે લહું શતશત શૂલથી વીંધનારો થુવેર?

તું જ? જેની

વાણી મહીં સંગીત કિન્નરી મેં

માણ્યું હતું (ગુંજરતો વહ્યો ધ્વનિ

તરંગઆવૃત્ત અનંત શાન્તિમાં)?

ને તું?

જેનાં ગર્જંત મૌને નિખિલ સકલ કોલાહલે વ્યગ્ર કીધું?

તું જ? જેની

દૃગો સુધા વર્ષતી પૂર્ણચંદ્રની,

અંધારનેયે મળી જેની શુભ્રતા,

સમષ્ટિને અંતર ગૂઢ સંમુદા?

ને તું?

જે વિદ્યુત્ શી અજંપે ભ્રમણ મહીં કરે સર્વ કૈં ભસ્મસાત?

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 18)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ