kyan? - Mukta Padya | RekhtaGujarati

ક્યાં નદી, ક્યાં સરોવર અને અબ્ધિ ક્યાં?

ક્યાં છજું દાદરા ત્રણ ચઢ્યું

દૂધ-દેખાવની તાજી ચૂનેભરી થાંભલી,

પાસમાં લટકતી વિહગની જલકૂંડી.

વ્યોમ ક્યાં? સૂર્ય ક્યાં?

તીવ્ર મધ્યાહ્નથી સસડતું

વાહનોથી નર્યું ખખડતું નગર ક્યાં?

ક્યાં તહીં, કૂંડીના જલથી થાંભલીની પરે,

જલ અને પવન ને તેજ ને છાંયની મિશ્ર-શી

માછલી

ખેલતી ગેલતી સળવળે!

સ્રોત

  • પુસ્તક : સ્પર્શ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
  • વર્ષ : 1966