જુદાં પડ્યાં!
લાંબે ગાળે આજે ફરી મળ્યાં!
રોમે રોમે કશો મિલનનો હર્ષ!
ઉપવને –
કુસુમકલિને જેવો માઘ-અનિલનો સ્પર્શ!
આપણે તે કેટલાંક વર્ષ
વિખૂટાં ભમ્યાં રે વિધિવશ!
આજે વળી મળ્યાં ઘડી અચાનક
આપણા પુરાણા પેલા મિલનને સ્થાનક.
વિવશ હૈયાંની કશી સ્થિતિ!
નસેનસ ઉષ્ણ રક્તરૂપે વહે રતિ!
ધબકારે ધબકારે થઈ રહે છતી
એની તરલ ચપલ મીનગતિ!
આપણી ન વાત કદી ખૂટે :
તોયે પ્રિય! આજે કેમે કર્યા જોને
મૌન તણા બંધ નહીં તૂટે!
પ્રેમની ગિરાની ઝીંક
કેમ કરી જીભ ઝીલી શકે?
આપણી તે નજરોના વેલમોગરાને પ્રિય!
વાચા કેરાં ફોરાં ફોરાં ફૂલ ફૂટે!
ભાવથી ભરેલી કણેકણ
કેવી સરી રહી ક્ષણેક્ષણ!
મૌન કેરી વ્યંજનાથી સભર સભર
દૃઢ કેવા તારા બિડાયેલા અધરેઅધર
જેવા વરસ્યા પહેલાંના જલધર!
૨
આપણ બે મૂક :
વળી મૂગો તટ!
મૂગાં વહે સરિતનાં નીર!
પશ્ચિમ ક્ષિતિજે હળુ હળુ વિલોપાઈ રહ્યાં
સિન્દૂરિયાં સાન્ધ્યચીર!
હવાનો હિલોળો એક :
અને જોતજોતામાં તો
છેલ્લા તેજકિરણની લોપાઈ લકીર!
ઘન અંધકારે ડૂબી ટેકરીની ટોચ, અને
ઝડપથી ઝાંખી થઈ અડાબીડ વનરાઈ!
નિજ નિજ નીડ ગયાં પંખીયે લપાઈ, વળી
વાર હજી શરૂ થવે તમરાંની શરણાઈ!
પડી ગયો સોપો બરાબર!
ધબકી રહેલાં માત્ર
આપણાં બે ઉર કેરે સ્પંદનસહારે સખિ!
સ્તબ્ધતાનો ગ્રાસ થતું બચી ગયું ચરાચર!
– અને અણધારી ત્યહીં
ચોદિશ ભીંજાવી રહી
આષાઢના મેઘ તણી ઝીણી ઝીણી ઝરમર.
બચવાને મેઘબુંદ થકી સેજ સરકીને
આપણ બે ઊભાં પ્રિય! કદંબના ઝુંડ તળે :
લાગણીનો પારો કશો ચડે-પડે!
ઊભવાની ઇચ્છા થાય અડોઅડ!
તોય જાણીજોઈ રાખ્યું વચમાં કદંબથડ!
વર્ષી રહ્યો ઘન અંધકાર!
જલધાર તણો ધીરે ધીરે વધી રહ્યે વેગ :
તનુમુખિ! નીતરતી નેહ તારી દેહલતા
છતી થાય વારેવારે
તડિતને ચમકારે!
આજે અળવીતરી હે!
અંબોડે તેં શીદ ધર્યું
મને જે અતીવ પ્રિય
તાજું પેલું પોયણીનું ફૂલ?
અને શિદ અંગ ધર્યું
નારંગી રંગનું પેલું રેશમી દુકૂલ?
લાવણ્યની કવિતા શી
અંગ અંગ થકી રહી નિરઝરી!
એમાં વળી હવાની ભીનાશ ભળી
ઉમેરતી એક કડી!
આખર તો માનવ હું :
પ્રયત્ન છતાંય કદી બની જાઉં પરવશ!
અતીવ અદમ્ય એવી
વૃત્તિઓને કેમ કરી રાખું વશ?
એમ થાય –
લાવ તારા પાલવનો અંગુલિથી
કરી લઉં જરી સ્પર્શ!
એમ થાય –
લાવ ઠીક કરી દઉં , વેણીનાં શિથિલ ફૂલ
તને જેમ અનુકૂલ!
નહીં નહીં!
મન મારા, બેસો હેઠ!
હવે જૂઠી મૂકી દિયો ઊઠવેઠ.
નહીં નહીં!
કદી નહીં હવે બને ઊભવાનું અડોઅડ
વચમાં સજાગપણે રાખેલું કદંબથડ!
વિધિએ વછોડ્યાં જ્યારે,
આપણે વિખૂટાં પડ્યાં શપથ લઈને ત્યારે –
– તે ઘડીથી આજ લગી
નિરજન વન હો કે નગરનિવાસ :
સંયમની પાળ નથી તોડી કદી –
આપણે જે મથી મથી બાંધી પ્રિય!
વૃત્તિઓની આસપાસ.
આજે કેમ લોપાય એ
મરજાદરેખ હવે?
પ્રેમ એ તો ખડકની ધાર!
અવિચારી એક ડગ આગે ભરો :
ફાડી મુખ ઊભી રહી –
પતનની ખીણ પારાવાર!
સમાલીને, વિવેકથી
એક ડગ પાછું ભરો :
બચી ગયા જાન!
બચી ગયાં પલેપલ થતાં પરેશાન!
બઢ્યે જતાં ખડકની ધારે ધારે...
એ જ પથે, વટાવીને દેહની દીવાલ કદી
ક્ષણેક્ષણ લુભાવતા
પ્રેમ તણા સ્વર્મ-મત્સ્ય તણું પ્રિયે
સાચું લેઈ શકશું નિશાન –
જેમાં રહી નિજની, ને
જગનીયે ભેગી શાન!
ચલો પ્રિય! મેહુલાની ધીમી પડી ધાર!
વાદળીનું મ્યાન ખસી જતાં જુઓ
કેવી પેલી ચમકતી ચંદ્રની કટાર!
અનાયાસ સરી પડી
પ્રિયા-કંઠ થકી મૃદુ ગીતકડી :
રણકી ઊઠી શું જાણે વિચિત્રવીણાની મીંડ!
વનપ્રાન્ત રચી રહી સુધામય સ્વરપિંડ!
હવાના હિલોળા સાથે
માથે ઝૂકી કદંબની ડાળ થકી
એકાએક પંખીડાં બે
પાંખ ફફડાવી પાછાં
બીજી ડાળે જઈ ઠર્યાં :
– અને અમે ધીરે ધીરે ડગ ભર્યાં!
લાંબે ગાળે આજે ફરી મળ્યાં!
ફરી પાછાં જુદાં પડ્યાં!
સ્રોત
- પુસ્તક : બૃહદ્ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 175)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2010