hath melwiye - Mukta Padya | RekhtaGujarati

હાથ મેળવીએ

hath melwiye

નિરંજન ભગત નિરંજન ભગત
હાથ મેળવીએ
નિરંજન ભગત

લાવો તમારો હાથ, મેળવીએ

(કહું છું હાથ લંબાવી)!

કહો શું મેળવી લેવું હશે મારે?

તમારા હાથમાં તો કેટલું યે-

ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે....

શું શું નથી હોતું તમારા હાથમાં?

મારે કશાનું કામ ના,

ખાલી તમારો હાથ...

ખાલી તમારો હાથ?

ના, ના, આપણા બે

ખાલી હાથમાં યે કેટલું છે!

આપણા હાથમાં ઉષ્મા અને થડકો -

અરે, એના વડે આવો,

પરસ્પરના હૃદયના ભાવ ભેળવીએ,

અને બિનઆવડત સારું નઠારું

કેટલું યે કામ કરતા

આપણા હાથ કેળવીએ!

અજાણ્યા છો? ભલે!

તો યે જુઓ, હાથ લંબાવી કહું

લાવો તમારા હાથ, મેળવીએ!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 3 – નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : જયન્ત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981