koi re kholo - Mukta Padya | RekhtaGujarati

કોઈ રે ખોલો

koi re kholo

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
કોઈ રે ખોલો
દિલીપ ઝવેરી

બારીય કીધી બંધ

ત્યાં પછી બારણાંની શી વાત?

તિરાડભણી આંખ કરો તો

આંબલી ડાળે છેલછબીલા છાકટા છોરા જિપ્સી જેવું

ક્યારનું બેઠું આભ

પાય દિયો જો બ્હાર

તો ઘડી પલમાં જશે ઊંચકી એની સાથ

પૂંઠળ પેલાં હસશે બકુલ ફૂલ

બાઈ રે હું તો ઘરમાં બેઠી ભરતી ભરત

મોરલા કેરી આંખ ચણોઠી રંગની

અને પાંખમાં પીંછે

નાનકાં નાનકાં

આભલાં ભરું.

હાય રે ત્યાં તો

મલકી કહ્યો છેલછબીલો

બોલતા ચારેકોરથી ભેળા મોર

કોઈ રે ખોલો બારણાં

હવે કોઈ રે ખોલો બાર

નહિ તો મને મંતર ભણી

લ્હેરખી જેવી પાતળી કરી

તિરાડમાંથી સેરવી જશે

કોઈ રે મને ઊંચકી જશે

કોઈ રે ખોલો બાર

સ્રોત

  • પુસ્તક : પાંડુ કાવ્યો અને ઇતર (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1989