ratrina wanman - Mukta Padya | RekhtaGujarati

રાત્રિના વનમાં

ratrina wanman

નલિન રાવળ નલિન રાવળ
રાત્રિના વનમાં
નલિન રાવળ

ભીનાં ખેતર

ભીની-વસંત ભીની ફરફર

રણ રેતીનાં

જળ દરિયાનાં

પ્હાડ ખીણ મેદાન વળોટી

નગર નગરના વિસ્મય રણક્યા રસ્તા ઘૂમી

મળી

અજનબી સપના જેવા લોકો

(સપના જેવો હુંય)

સરું

અજાણ્યા રસ્તે

રસ્તો વળે રાત્રિના વનમાં

ચાલું ઝિલમિલ તેજે

અડાબીડ ઝાડી વીંખી આવું વનના છેડે

છેડે વનના

એક અજાણ્યા એકાકિલા ઘરમાં

દીવો ટમટમ

દ્વાર ઠેલી પગ હળવે મૂકું ખંડે

ક્યાંથી

ભર્યો ભર્યો શિશુકલરવ સૌરભ થઈને પ્રસરે

પ્રીતના નમણા સૂરે કોણ નિમંત્રે બીજે ખંડે?

સ્કંધે કોની ગૌરગ્રીવા રહી ઢળતી?

અલોપ!

અલોપ ક્યાં એ?

કયો ખંડ આ? શય્યા પર ગહન શાંતિમાં શ્વસતો?

જ્યોત સમો ઝળહળતો કોનો પરિચિત દેહ?

ક્યાંક

રણઝણી ઝાલર... રણઝણતી ઝાલર નાદે

ગગન ગુંજતા પંખી સ્વરની સંગે

પળતો દૂર દૂર આનંદે...

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 269)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007