કેમે કર્યો આ હાથ
Keme Karyo Aa Hath
જગદીશ ત્રિવેદી
Jagdish Trivedi

ફૂલનો ગુચ્છો લઈને એક ડાળી પાતળી
રોજ બારીમાં રહે છે ઝૂમતી –
હાથ ફેલાવું અને
આવી પડે –
એટલું – બસ એટલું અંતર,
કેમે કર્યો પણ હાથ ફેલાયો નહિ.
એક અણિયાળું શિખર
મુજ આંખને તેજલ તળાવે
રોજ તરવા ઊતરે –
કાંઠે પડેલો હાથ તરસ્યો તાકતો એવી રીતે
કેમે કર્યો પણ હાથ લંબાયો નહિ.
ક્યારેક તો મુજ શીર્ષને સ્પર્શી જતું
આકાશ આવે છે ઝૂકીને એટલું નીચું –
એક્કેય પણ તે તારલાને ચૂંટવા
કેમે કર્યો આ હાથ ઊંચકાયો નહિ.



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ