jumma masjid - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જુમ્મા મસ્જિદ

jumma masjid

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
જુમ્મા મસ્જિદ
ઉદયન ઠક્કર

(વનવેલી)

અણહિલવાડમાં અલ્લાઉદીને બનાવેલી

આરસની મસ્જિદમાં

એટલા તો થાંભલા

એટલા તો થાંભલા

નમાઝીઓ ગણતા જાય ને ભૂલતા જાય

વીસ વીસની કતાર, એવી ચાર.....

અને પેલા એકસો પચાસનું શું?

મિનારાથી ફરી ગણો

કિતાબમાં શું લખ્યું છે?

નાસેહ કહે તે ખરું

એકી અને બેકી એવા ફિરકાઓ પડી ગયા

કોઈ કહે, અસલ તો આટલા

બીજાને આધાર ક્યાં છે?

નમાઝીઓ વજૂ કરે

હાથ ધોઈને પાછળ પડી જાય

રજૂ કરે

પોતપોતાનો હિસાબ

મણકાઓ ગણે

એકસો ને આઠ કે સાતસો ને છિયાસી

અણહિલવાડમાં અલ્લાઉદીને બનાવેલી

આરસની મસ્જિદમાં

એટલા તો થાંભલા

એટલા તો થાંભલા

નમાઝીઓ ભૂલી જાય સિજદોયે કરવાનું

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012