jhuman - Mukta Padya | RekhtaGujarati

(સિંહને જોઇને)

એ છલંગ, એ જ ન્હોર,

નેત્રમાં ય એ જ તેજ, એ જ તૉર,

એ ઝનૂન,

એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,

પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,

રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.

પિંજરે પૂરી તને જણાવશું

સમાજની કળા બધી ય, સભ્યતા ભણાવશું,

અને બધાં ય માનવી અમે થશું

તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 3 – નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : જયન્ત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981