jhanjha - Mukta Padya | RekhtaGujarati

દૃગાન્ત લગ છે કાદવ કાદવ

શીંગડીઓ ઉલ્લાળી આભે ચડે બીજનો ચાંદો.

ઘનઅંધારા લઈ ધસમસતો મહિષ આભલે,

એક કોરથી બીજી લગણ જઈ દૂર છલાંગે,

ટોચ ઉપરથી કૂદતો નીચે ભોંયે માથું પટકે.

ઘરની ભીંતો પડું પડું

ને ઘરમાં ઊછળ્યા સદીઓથી ગોંધેલા પૂરના ઘોડા

બ્હાર બધે બધ મેઘફુવારે દળવાદળમાં હિંસ્ર અવાજે તિમિર ત્રાટકે

એક ઝાટકે અંદર પણ હાં, જળમાં જાગે જનમ જૂનો આવેગ.

આંગણિયે ધસમસતો ચાંદો

ચસચસતા કાદવિયે તીણાં શીંગ અફાળી

કચ્ચર કચ્ચર ભીંતનો ફેંકે દિશ દિશમાં ભંગાર.

જળનો જનમ જૂનો ઉન્માદ વછૂટે તીર શો આઘે.

કલકલ વહેતી લીલોતરી પણ સરકે આઘે.

આઘે આઘે

નભ થલ વચ્ચે અબ લગ ઝગતો હીરનો દોર અલોપ.

દૃગાન્ત લગ છે પાણી પાણી

શીંગડીઓ ઉલ્લાળી આઘે સરે બીજનો ચાંદો.

સ્રોત

  • પુસ્તક : જુગલબંધી (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995