jalopanishad - Mukta Padya | RekhtaGujarati

જળોપનિષદ

jalopanishad

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ

મેં જળને જોયું

જાણ્યું.

જળને જળનો ગર્ભ રહ્યો છે.

જળ પર ઊઘડ્યું જળનું દોહદ શ્વેત

ખીલ્યું જળમાં આભ

જળનો વિકસ્યો ગાભ...

જળમાં ઊછર્યાં વૃક્ષો ને

જળ લીલમલીલું લ્હેર્યું પળમાં,

જળને કાંઠે જળ સૂકાતું જોયું

જળને ગ્રસવા

જળની વચ્ચે

શ્વેત ધ્યાનમાં જળ ઊભેલું જોયું...

જળ જળમાં કાયા

ઘસી ઘસીને ન્હાય

રોમાંચિત જળ થાય

જળ રોમ રોમ શરમાય,

જળમાં પથરીલા જળપહાડો-

જળમાં ઊતરે.

જળ જુએ જળને આખો દહાડો...

જળમાં ઊગે જળની રાત

જળ કરે છે જળને જળના અંધારાની વાત

જળના ઘરમાં જળના દીવા...

જળ જળથી કંપી ઊઠે

જળ ખળભળતું

જળ ટોળે વળતું

જળ જઈને જળને મળતું...

જળને કાંઠે જળ ઊગે છે,

જળ ઊંઘે-જાગે

જળ શબ્દ શોધતું જળનો-

જળની પળનો.

જળ જળને છોડી જાય

અને જળ રુવે

મેં જોયું કે જળ જળને ઝંખે

ડંખે જળને જળ

જળ સળગે જળમાં,

જળ જળને વળગે જળમાં...

મેં જોયું જળમાં-

જળ મને પકડવા

નાખે જળની જાળ

પણ જળને નડતી

જળની પાળ...

જળને જળની ફાળ પડે છે કેમ?

જળમાં જળની જાળ પડે છે કેમ?

જળ સૂકા જળમાં ઝૂરે

જળની ઇચ્છા-

જળ બિચારું કેમ કરીને પૂરે!

મેં જોયું જળમાં જળ મારું

જળ કંપી ઊઠ્યું કરચલિયાળું!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008