Hu Mugdh Chhu - Mukta Padya | RekhtaGujarati

હું મુગ્ધ છું

Hu Mugdh Chhu

સુન્દરમ્ સુન્દરમ્
હું મુગ્ધ છું
સુન્દરમ્

હું મુગ્ધ છું :

કોઈનાં ઝુલ્ફાં ઉપર,

ને કોઈની અણિયાળી આંખો ઉપર,

કે કાનની લાલી ભરેલી કિનાર પર,

કે પાનીની ઢંકાયલી ઘેરી ગુલાબી કોર પર.

હું મુગ્ધ છુ :

કો કંઠના ઘેરા બુલંદા’વાઝ પર,

ને કોઈનાં નૂપુરની રુમઝુમ ચાલ પર,

કે મેઘ શી માદક ખુમારી વેરતા કો બાહુ પર,

કે આંગળી ટચલીના નખની કોઈ કાતિલ ધાર પર.

હું મુગ્ધ છુ :

આમેય જે જે મુગ્ધ ના મુજને કરે તે સર્વ પર,

ને આંસુ જે હસવાને રોકે, હાસ્ય જે આંસુ તણું

થૈં મ્યાન થોભે,

ને હાથ જે ઊંચકાય હણવા તે થઈ આશ્લેષ ર્હે,

ને આંખ જે ભમતી ભ્રમર શી, ભ્રમર શી એકાગ્ર

થૈં સ્થિર જે ઢળે.

હું મુગ્ધ છુ :

જોઉં આલીશાન ટોચો મહેલની,

ને ઘોર કાળી મેંશ ભમ્મર જેલની,

હાથનાં મીંઢળ અને નાડાછડી,

ફાંસી કેરા ગાળિયાની શી સુંવાળી ગડી.

હું મુગ્ધ છુ :

કિરતાર તારી કરામત સર્વ પર,

જન્મ કેરું પારણું–આરસમઢી કબ્ર પર,

તું મને ભીંસીને ભેટે, યા ધકેલે લાખ જોજન

દૂર પર,

તું બને મુજ રાહબર કે તું બને મુજ

ફાંસીગર.

હું મુગ્ધ છું.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1968 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ