gundala gam - Mukta Padya | RekhtaGujarati

ગુંદાળા ગામ

gundala gam

યોગેશ વૈદ્ય યોગેશ વૈદ્ય
ગુંદાળા ગામ
યોગેશ વૈદ્ય

એક નાનકડું ગામ

ઠળિયો થઈ ગૂંદીનો ચોંટ્યું છે

અગિયારમી આંગળીએ ગીરની

ગાયોની ખરીઓમાં ગૂંદાતી શેરીઓ

બળદુના ઘૂઘરાની પડછંદી ગુંજ

રાંદલમા તેડ્યાનો ઘોડો ખૂંદાય જાણે

હમચીમાં ઓતપ્રોત પડ ને પરસાળ

દીકરિયું ઓસરીએ આળેખે મોરલા

ફળિયાંઓ સોઈ-દીઠાં ચોખ્ખાંચણાક

એક સઈ, એક સોની, કુંભાર-સુતાર એક,

ભામણ બે, કાઠી ને સામતો ભરવાડ

બાકી તે અડધામાં કણબી

ને અડધામાં સોરઠિયા આહીર બે ભાગ.

ચોપડે તો મંત્રીના બોલે છે પંદરસો

માથાંનો મેળ ત્રણ હજારનો!

(ગામ આખું બેમાથાળું જાણજો!)

તડબૂચનાં જેવડાં ઊગતાં ટામેટાં

તલવારો જેવડી વાલોળ છે!

ધોળે દી ધાપ મારે બાવકો બજારમાં

પણ

કોની તે દેન કે ઉવેખે?

છોકરિયું જોરકઢી એવી કે

સાવજનાં પગલાંઓ વીણીને લાવી છે

વીણવાને ગઈ’તી અડાયાં.

ઊભાં તે વાડમાં

ઊજરતાં દીપડીનાં નાનાં બચોળિયાં

ને ધાવણની ધાર છૂટે બાયુંને ગામમાં.

ભૂપતના બારવટે ભાંગ્યું ભંગાયું

મરકીએ માર્યું ગામને

સાવજનું બોટેલું પાણી પીએ છે સહુ

વરતાતી આણ એક ભૂતડિયાદેવની

માથાનો મેળ નથી ભાંગતો રે ગામનો.

જન્મે છે એક જ્યાં એક મરી જાય

એવું ભૂતડિયાદેવનું અફર વિધાન.

એવું અફર વિધાન

એવું અફર વિધાન

*

તુલસીની માળાના મેરુ-શા ગોરઅદા

રામ હારોહાર જીવે કાચે મકાન

એનો ઓચિંતો દીવડો બુઝાયો

ફૂલોના પાથરે પોઢાડી દેહ

ડાઘુઓ હાલ્યા છે આથમણી દિશા

ગામને અડીને વહે ખળખળતો વોકળો

સામે કાંઠે રે શિવદેરું,

વ્હેણની વચાળે એક છીપર

ને છીપર પર

જંગલનાં લાકડાંએ ભડભડતી બાથ ભરી

ચંદનના લેપ કર્યા દેહને.

બે કાંઠે બેઠેલા ડાઘુ અબોલ

વહે વોકળો નિર્લેપ

બળે લાકડાં નિર્લેપ, બળે હાડકાં

ઊભું જંગલ નિર્લેપ, ઊભાં ઝાડવાં

લેણદેણ કાયાના છાંડી-છોડીને

રાખ વહેવાને લાગી છે વ્હેણમાં

ટાઢી વાળીને સહુ પાછા ફર્યા ને

જઈ બેઠા જ્યાં ફળિયામાં સૂનમૂન

બાજુના ફળિયેથી થાળી વગાડતાં

સમજુમા બોલ્યાં ત્યાં લાગલાં :

સાંભળો સુજાણ, તમે સાંભળો સુજાણ

મારી અમરતને આવ્યો છે દીકરો...

અહો, ભૂતડિયાદેવ!

તમે પાળ્યું વિધાન

તમે પાળ્યું!

માથાનો મેળ નથી ભાંગ્યો રે ગામનો.

સાવ ઝીણકુકડું ગામ

ઠળિયો થઈ ગૂંદીનો ચોંટ્યું છે

અગિયારમી આંગળીએ ગીરની.

(૧૦થી ૧પ/૧ર/ર૦ર૦)

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2023