રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજેરામ પટેલનાં નવાં ચિત્રો વચ્ચે
jeram patelna nava chitro vachche
કાળાં કાળાં જેરામી ગચિયાંમાં આજે ભૂત ભરાયાં
ઢીંક મારતાં ઊપડ્યાં!
આ ગચિયાં
જે એક વાર તો
અધ્ધર
ભારેખમ
તોળાઈ
લટકતાં
હતાં
હલ્યાચલ્ચા વિણ
કાળાં
સફેદ
કેનવાસની
વચ્ચો
વચ;
હવે એ નજરોને, દૃશ્યોને, ફ્રેમોને, ફલકોને ઢીંક દઈ ફંગોળી પોતાની
પીઠે લઈ ખદડબ ખદડબ દોડ્યાં.
મસ્ત જનાવર! અલમસ્ત જનાવર! બહુશિંગાળાં!
પળભર થમ્ભે! સૂંઘે!
જે કૈં બચી ગયું હો અહીંયાં એને એક હિલોળે જાડી ગરદન
આમ ઘુમાવી ફંગોળે પોતાની પીઠે!
જનાવરો આ ખદડબ ખદડબ દોડ્યાં બધુંય પીઠે ખડકી આઘે આઘે આઘે
કોક જગાએ ઊંડી ખોમાં ફગવી દેવા.
થમ્ભે એક ચિત્રમાં વળી ઊપડે, દોડે, ઘૂસે આ પડખેના ચિત્ર ફલકમાં
ત્યાંની સઘળી ચીજવસ્તુઓ લીયે ઉઠાવી પીઠે પાછાં ખદડબ દોડે બ્હાર
નજરની કોઈ ઊંડી ખોમાં સન્ધું ફગવી દેવા;
વળી ઊપડે, ક્યાં?
આ કેનવાસની ફ્રેમો તોડી, સફેદની સીમાઓ છોડી. ક્યાં?
આવ્યા’તા એ,
મને યાદ છે, વરસો પહેલાં,
આ જેરામી આકારો, આ કાળા ભરચક
વજનદાર
તોળાતા
થમ્ભ્યા’તા
ઊભા’તા
નવલી ગુજરાતી કવિતાની પાસે, પેલા રે મઠ મધ્યે, ને મુમ્બઈના
નગર અરણ્યે,
જેમ જરી નજદીક જઈ નન્દીશ્વર જોતા હો વન મધ્યે ઉગ્ર
તપસ્વી દીપ્ત અપર્ણા ગિરિકન્યાને.
હા.
હા મને યાદ છે.
હા હા એ જ સુમારે, ઓગણીસસેં સાઈઠ પાંસઠ, એ વરસોમાં,
ભરચક ભારે એ આકારો આવ્યા’તા. તો ક્યાંથી?
ઇતિહાસોની શરૂઆતના સીમાડાને ખરીઓથી ફેંદીને આ બાજુ
એ તો આવ્યા’તા.
જાણે કોઈ પોતીકું જણ આ બાજુ આવ્યું હોય ના? એની ગન્ધ શોધતાં.
એ જેરામી ગચિયાં ગંજાવર ગુજરાતી કવિતાની પડખે આવી ઊભાં’તાં.
કશુંય બોલ્યા વગર, બળૂકાં, વજનદાર, ઊંચકી શકાય નહીં એવાં.
ને પોતાનાં.
ખોદી શકાય નહીં એવા ‘શંકરના અવાજના પહાડોમાં એ ત્યારે ઊભી’તી
... તપતી દીપ્ત અપર્ણા...પેલી પરમ રૂપસી ઓ ગુજરાતી કવિતા.
આજે?
પણ આ આજે?
પેલાં જૂનાં કાળાં ગચિયાંમાંથી કોણ પડ્યું આ બ્હાર? ચામડી થથરાવીને,
ખંખેરીને ખૂંધ? શિંગડાં ઉલાળતું? ખરીઓ પછાડતું? નવું?
બ્હાર પડ્યાં છે, ખોદી નાખે છે, ગરજે છે, નાખે છે ફૂંફાડા, થઈને
નવાંનકોરધકોર પડ્યાં છે બ્હાર, કોણ છે?
નવતર છે, આ ઢીંક મારતાં ફંગોળે છે નગર સંસ્કૃતિ સહુને ગરદન
શિંગ ફેરવી ફેંકે છે પોતાની પીઠે દોડે
ખદડબ ખદડબ ખદડબ આગળ ને આગળ, ક્યાં?
કાળાં કાળાં કૂદી કૂદી કેનવાસનાં કેનવાસને કચડી નાખી ક્યાંક દોડતાં
આ જેરામી ગચિયાંમાં શાં ભૂત ભરાયાં? ના ભૂત ભરાયાં ભૂતકાળનાં
કે ના નિશ્ચિત ભાવિ કે ના સપાટ સામ્પ્રત,
આ તો કેવળ અજબગજબનાં જોમ ભરાયાં, ભૂરાયાં
ક્યાં જશે?
નથી એ આવ્યાં જૂના પ્રાગ ઇતિહાસી સીમાડેથી પેલે,
આ તો પહેલુંવહેલું દેખાયાં છે આજે અહીંયાં
આ બાજુ આવ્ચાં છે આ તો ઇતિહાસોના અંત પછીની સીમ વળોટી,
આગળનાં સૂમસામ થાનકો
સૂન વળોટી,
છેક સમયના છેલ્લાવેલ્લા છેડાની સૂમસામ પછીતે વસનારાં આ,
અંત, સમયનો, અંત, સંસ્કૃતિ, યંત્રો, નગરો, રાજ્યો, વાણી, વિચાર,
દૃશ્યો, માણસનો જે અંત.
એ અંત પછીતે વસનારાં આ.
આવ્યાં.
અંત પછી શું હોય? કશું ના હોય છતાંયે હોય.
અંતની પેલી બાજુ કળણોમાં ખૂંપીને ઊભી નારી.
જેરામી ગચિયાં મૂકે છે દોટ પ્હોંચવા ત્ચાં જ્યાં ગરકે
ગરક ગરકતી ધરણી.
તલાતલ ખૂંપી ચાલી ધરણી.
ધરણી. યંત્રો, નગરો, રાજ્યો, વિચાર, વાણી, માણસ કશા વગરની ધરણી.
ધરણી કશુંય ના ધારણ કરતી, ને મૂંગી.
ને આ જાનદાર કાળાં ગચિયાં જેરામી
અહીંયાં આવ્યાં છે રહ્યોસહ્યો હો ભાર, નાર પર,
ઉશેટીકને એકવારકો એને ઊંડી ખોમાં નાખી દેશે.
પછી ક્યાં જશે?
જાનદાર આ જાનવરો જેરામી...
વરાહ છે? સૂવર છે? રાઇનોસોરસ? શું છે?
કે જેરામી જોમભર્યા અણજાણ્ચાં
એકે નામ વગરનાં,
એકે ઠામ વગરનાં,
એકે ઓળખ કે પહેચાન વગરનાં?
નકરી ગતિનાં નકરાં રૂપ?
દોડતાં
પોતાને પીઠે લાદીને અહીંનાં સઘળાં રૂપો સઘળી નજર.
નમાવે શિર આદરથી
ટટાર બળકટ શિંગ શિશ્ન દાંતરડી નાખે નીચે
ખોમાં ઊંડે ફળદ્રૂપ કાદવમાં નાંખે,
સીમાડા સઘળા તોડે,
ઊંચકે
અધ્ધર
અધ્ધર
અધ્ધર
અધ્ધર
કેન્વાસની ફ્રેમ તોડતાં અધ્ધર, સઘળાં દૃશ્ય ફલકથી અધ્ધર
નજરોથીયે અધ્ધર
ધરા આખીને કાઢે
ઊંડા અજવાળાંના કાદવમાંથી ધરા આખીને કાઢે.
નવલી નવલી નવલી ધરા,
નવેલી નવલી વાણી, હવે
બની કવિતા યે નવી-નકોર!
ખૂંતી ગઈ’તી જે હમણાંની ચકાચોંધ અજવાળાંઓના ગન્ધાતા ઝળહળ
ગુજરાતી ગારામાં.
કાળા અન્ધકારની નવી મ્હેકની ઇચ્છા કરતી કામ્ય કામિની નારી,
પેલી થરથર કરતી ધરાને ધરી
આખેઆખી પોતાની દાંતરડી પર, જો,
જો જો જો જો,
તોળે છે આ
અધ્ધર
અધ્ધર
અધ્ધર
અધ્ધર
જોને....
(માર્ચ ૨૦૧૧)
સ્રોત
- પુસ્તક : મહાભોજ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2019