maane - Mukta Padya | RekhtaGujarati

મા, તું સોઇંગ મશીન

ને હું ખરખર ખરખર

મશીન કેરો અવાજ પીને ઊછર્યો,

મીન અવાજનું થઈ તર્યો...

ખરબચડાં સ્વપ્નોની ઉપર

ચીલા પાડતું

શ્વાસ વગરનું ચક્ર દોડતું,

મશીનનો ગગડાટ

સ્વપ્ન છેદીને નીકળે બહાર

અચાનક,

હલે ભીંતની વાંકીચૂકી તિરાડ.

તું જ્યારે ખાંસતી ઘરમાં

ધૂસર પીઠ ઉપરથી

ખાંસીનાં પડ હલી હલી ખેરવતો વાયુ;

સોયની અણી જેવું રોતાં

મેં સાંભળી કદીક

સુક્કી ડાળ બની તું ઊગી આંગણે

તોય પાતળી છાંયે તારી

ભવનો થાક ઉતાર્યો.

આજ પણ

મારા ભૂખરા ને રેતાળ ભૂતલમાં

તૃણ તૃણ થઈ ચોમેર બધે

પ્રસર્યું છે તારું લીલું લીલું વહાલ.

સ્રોત

  • પુસ્તક : પરિવાર-કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ડૉ. શ્રદ્ધા ત્રિવેદી, ડૉ. ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2015