talaw - Mukta Padya | RekhtaGujarati

સરી ગયેલાં સપનાં જેવી તળાવ-પાળે

કોક બેસીને

સાવ સૂકાયા તળાવના અવકાશ મહીં

કંઈ પગને બોળે

ને ત્યાં તો શા તળાવ-મનમાં સપનાં કૉળે....

પગના તળિયે

ઝાંખીપાંખી રેખામાં

અટવાઈ પડ્યું છે દેશ-ભ્રમણનું ભાગ્ય

દેશદેશનાં ભ્રમણે નીકળવાનાં

તળાવ-મનમાં સપનાં જાગે....

તળાવ તો બસ ક્યાંય વિહરવા લાગે...

ઝાંખીપાંખી રેખાઓમાં

ઊંડે ઊંડે ક્યાંય સરકતું જાય....

ગામની સીમ તજીને સરકે

ગામ ગામને જોતું, નગર નગરથી ફરતું

એક ગામને પાદર શિવ-દેરાંને અડકી બેઠું

શિવનાં દેરે

જુગજુગ જૂની કોક ઝંખના ઝૂરે

કોક રૂપને ઝૂરે

કમળ-પૂજા કરવાનો નિશ્ચય

ખગની પાંખ તણા ફફડાટ સરીખો

ઘૂમે એના ઉરે

તળાવ-જળમાં

ભૂરાં ભૂરાં કમળ ખીલ્યાં બે ચૂંટી

શિવલિંગ પર મૂકી

ઝૂકીને એ....

ત્યાં તો તળાવ રક્તનું છલકે....

તળાવમાં તો શંકરદાદા ડૂબે

શંકરદાદા આકુળ-વ્યાકુળ

શંકરદાદા પ્રકટ થઈને પ્રસન્ન થઈને

દિયે ઝંખનાને એનું વર

અને

ઝંખનાના સળવળતા રોમરોમમાં

કૈક લે'રિયા લેતું તળાવ સરકે

રાતના

મળ્યા રૂપની આંખે શ્વેત રૂપેરી તળાવ

છલકે...

તળાવ વ્હેતું જાય પછી તો

ઊંડી ઊંડી ભીની મૌન-ગુફામાં

ઊંડાણે ખળભળતું વ્હેતું

અંધકારને તાળી દેતું

ઢળતું પડતું ચડે ગુફાની બ્હાર ઊભેલા પ્હાડે....

હાંફે

ઘાસલિયાળી કેડીને માંડ કરીને કાપે

પ્હોંચી શિખરે ધજા બની ફરતું

પ્હાડ ઉપરથી દડબડ નીચે દર્દી પડેલી

તળેટીમાં જે ગામ વસ્યું તે ગામ-પાદરે

સાવ સૂકું થઈ કોઈ ઋષિના શાપ સરીખું પડતું.

સૂકું તો બસ એવું

જાણે શમી ગયેલો ધજા તણો ફરકાટ

સૂકું તો બસ એવું

એમાં રહેતાં ડરતો પ્હોળીલો અવકાશ

સૂકું તળાવ તો

પથ્થર થઈ બેઠેલી કોરીકટ બે આંખો

અહલ્યાની રે કોરીકટ બે આંખો

પથ્થરિયાળી આંખો

ઝાંખીપાંખી રેખામાં

અટવાઈ પડેલું ભાગ્ય જોઈને શુંય વિચારે

તળાવના કણકણમાં ઊભરે ઝૂરણાઓનું ઝરણ

તળાવ ઝંખે કોક રામનાં ચરણ.

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ