ekkey ewun phool - Mukta Padya | RekhtaGujarati

એક્કેય એવું ફૂલ

ekkey ewun phool

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
એક્કેય એવું ફૂલ
પ્રિયકાન્ત મણિયાર

એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં

કે જે મને હો ના ગમ્યું!

જેટલાં જોયાં મને તો બધાં એવાં જચ્યાં

કે જે નથી જોયાં થતું કયારે હવે હું જોઉં...

એમાંય તે આજે વસન્ત

મબલખ ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઈ ને નાંગરી

આછા શિશિરના તટ ઉપર

ત્યાં

હું ડૂબી જાઉં છું

હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું.

હું ફૂલ પી એવાં ગયેા છું ગટગટાવી

આંખમાં એની અસર એવી થતી

જેની સુગંધે જગત આખું શ્વસે

તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,

ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં

સાગર ખીલેલો લાગતો;

પર્વતો પાષાણના કેવા ઠરેલા

તે પણ ખીલેલા લાગતા;

એકસરખું ચોતરફ ફેલાયલું આભ પણ

મુજને ખીલેલું લાગતું;

ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં

મુજને ખીલેલા લાગતા;

હું બધું શું અરે બોલી ગયો

ફૂલથી કે ભૂલથી?

જે કંઈ ખીલ્યાં તે શબ્દ મારા

અહીંતહીં બધે વેરાઈ ગયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983