pashulok - Mukta Padya | RekhtaGujarati

                          અર્પણ


જે પોતાની જાતને માણસ કહે છે સાત વાર,
તે પ્રાણીની પાસ આ કવિતા વાંચીશ વારવાર.

                           કૂતરો
                    (બંગલાની બહાર)


તમારા બંગલાની બ્હાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસી
આ દૂબળો ને પાંગળો કૂતરો ભસે;
સામે તમારા બંગલાના કોટના સૌ કાંકરા ખડખડ હસે.

આ પાંગળાના પાછલા પગમાં પડયું છે એક ધારું
લોહીથી ખદબદ થતું, જ્યાં માખીઓ બણબણ કરે,
ઘારા ઉપર પાટો નથી;
ને હું ભિખારી ક્યારનો આ કૂતરાને કાઢવા સારુ
તમારા બંગલાની બ્હાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસીને
હાંકતો એને,
પરંતુ ડાચિયું કરતો મને
ઘારા ઉપરના લોહીને ચાટી જતો એ દાંતથી ખણખણ કરે.

ઓ શેઠ, પાપી પેટને માટે કશો કંઈ રોટલો-આટો નથી?
ઓ ધરમરાજા, જુઓ આ દૂબળા સામું,
તમારી સાથ એ તો આવશે છેલ્લો હિમાળો ગાળવા,
ને બાળવા બધ્ધું જમા-ઉધાર નામું;
ઓ દયાળુ, એક બટકું ફેંકજો એને અહીંથી ટાળવા
ગરબડ બધી આ સાંભળી શું લાકડી લઈ આવતા રે આપ?
ઓ માબાપ,
અહીં એકકેય કૂતરો ક્યાંય પણ ભસતો નથી.
એ તો અહીં મુજ પેટની અંદર વસી
જે ડાઘીઓ મારી નજરથી ભીંત સામે તાકતો
તેના નકામા ભારને વ્હેતો ઊભો બેવડ બળી – હું તો 
તમારા બંગલાની બ્હાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસી.
માલેક, હું હસતો નથી.

               ચામાચીડિયું
   અ (શેઠ સાથે વાત – સાવ ખાનગી)


મજૂર આ બધા
ગણાય સાવ કૂતરા ગધા!
શું કામ શેઠ, આપ એમના થકી ડરી રહ્યા?
જે ભલા,
એંઠ ખાઈ ખાઈ પેટ એમનું ભરી રહ્યા?
આપના પ્રભાવથી ઊભી રહી છ મિલ આ,
આપનું જ સ્વપ્ન એ –
(એ બલા,
હું જ એક માત્ર એ વિષે વિમાસતો હજી)
– હજી લગી રહ્યો ભજી.
એ જ સ્વપ્નને સહર્ષ હું ગ્રહું,
પછી મજૂરની સમક્ષ હું કહું,
પરંતુ એક વાત છે –
(પગારની.... કહું?)
મ્હેરબાની રાખજો, હંમેશ સત્ય સાથ છે.

સ્રોત

  • પુસ્તક : અક્ષરા : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2007