રમેશ જાની
Ramesh Jani
આભના દીવા
મખમલી અંધારને કોડિયે
ઝીણા ઝીણા
કંપતા દીવા,
પણે
એકની ઉપર એક
ને એની ઉપર ને એનીય ઉપર
ને એની એની એનીય ઉપર એક
એવા અનેક
પેલા બહુમાળ મકાનના
દાનવી દીવા,
ઝૂંપડીઓના મેલાઘેલા
કાદવીઆ ફગફગતા દીવા,
એકલદોકલ
દામણા ને દયામણા
દીવા,
વામણા દીવા;
ગામની સીમે ઘૂઘરમાળે
નેળ રમાડી ડોલતા ડોલતા
જાય કોઈ
ઘમઘમતા દીવા,
અણજાણેલા વેલવેલીના
ફૂટતા ફૂલના રંગછકેલા
રોજ કહીં
મઘમઘતા દીવા,
ઝાલરીઆ ડુંગરીએ દીવા,
પાંદડે પાંદડે લીલમલીલા
ભીના ભીના
કોળતા દીવા,
વહેતાં રમતાં નાચતાં કૂદતાં
પાણીએ પલપલતા દીવા,
અહીં
રાત અને મધરાતને પહોરે
નાગરીઆ ડામરીઆ રાહે
ઊંધું ઘાલી દોડતા પાગલ જેમ
ધાયે લીસોટીઆ દીવા,
દીવા દીવા દીવા,
લાલ ને લીલા
કાળા પીળા ભૂરા દીવા
દીવા દીવા દીવા,
હસતા દીવા
રોતા દીવા,
છાતીને ટોડલીએ બેઠા
હેતના દીવા,
ખારા જળના તળિયામાં
ટમટમતા દીવા,
કોકની આંખના ગોખલામાં
દીવાના દીવા,
ઉરના ઊંડા કૂવામાં
સૂનકારના દીવા,
સૂસવતા મઝધારના દીવા,
શ્વાસની હૂંફે
જાગતા દીવા,
છેલવેલા નિઃશ્વાસની ફૂંકે
હળવેથી
હોલવાતા દીવા,
આના દીવા
તેના દીવા
તારા દીવા
મારા દીવા
તારા - મારા - આપણા દીવા
દીવા દીવા દીવા...
સ્રોત
- પુસ્તક : કવિતા : ઓગસ્ટ ૧૯૭૮ (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
