pichho - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોણ છે?

એક જણ છે કોણ?

જે

પીછો કરે મારો સતત.

અંધકારે આભમાં

આકાર દોરી ઊડતાં પંખીઓની હાર

જોતો હોઉં

તો એય

દૂર ઊભો આભમાં જોયા કરતો હોય.

મધરાતમાં ચંદ્ર સાથે વાત કરતો હોઉં

તો એય

વચ્ચે ટાપસી પૂરવા ક્યાંકથી આવી ચડે.

વહેલી સવારે

ફૂલના દરિયાવ પર તરતા સૂરજના શબ્દ

સુણતો હોઉં

તો એય કાન માંડી ધ્યાનથી સુણ્યા કરતો હોય.

ઢળતી સાંજના વહેતા સમીરે

નદીકાંઠે ખીલી વનરાઈમાં આવી

પ્રેમાળ મારી પ્રેયસીની રાહ જોતો હોઉં

તો એય

જાણે પ્રેયસીની રાહ જોતો ત્યાં ઊભો હોય.

જ્યાં જ્યાં જઉ

ત્યાં ત્યાં બધે હોય.

જ્યાં જ્યાં નજર મ્હારી

ત્યાં ત્યાં નજર એની.

હસું તો એય ખડખડ હસે.

રડું તો એય આંસુ પાડતો.

હું જે કરું

તે કરે.

કહો

મારે કેમ એના થકી છૂટવું.

જુઓ,

લખું છું કાવ્ય તો એય મારી સાથ

કાગળ પર લખે છે કાવ્ય.

કહો.

કેમ મારે છૂટવું એના થકી.

જુઓ,

લાગલો બોલે:

કહો.

કેમ મારે છૂટવું એના થકી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004