kayan chho chandrkant? - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કયાં છો ચન્દ્રકાન્ત?

kayan chho chandrkant?

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
કયાં છો ચન્દ્રકાન્ત?
ચંદ્રકાન્ત શેઠ

ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?

તમારા બોલાયેલા લખાયેલા શબ્દો,

- એમાં તમે નથી, તમારી છે છાયા;

- જેને તમારુ ના સ્હેજે અભિજ્ઞાન.

ચંદ્રકાન્ત!

તમોને ભુલાવી દેતા તમારા અરીસા

- એને તોડીફોડી કેમ નથી દેતા?

તમારી આરતીને સહી લો છો શાને?

કેમ ફૂંક મારી હોલવી ના દેતા?

તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર,

તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!

શ્વાસથી ઉચ્છવાસના ઝૂલાએ રોજ ઝૂલો,

કદી અંતરાલે માંડી ખરી મીટ?

કોનો લય, કોની ગતિ, કોનું રૂપ

—જેનો આમ નિષ્પદં શો છંદ ઊંડો નસે નસે ચાલે?

ફૂલ જેમ હસો છો ને કરો છો કિલ્લોલ!

તમે જાણેા છે?

—અનતમાં જે અંતે તમે ઝૂલો

કાળના તરુની કોણ ડાળ?

‘ચંદ્રકાન્ત’ નામની ધજાએ જ્યાં ચઢાવી

મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!

ચદ્રકાન્ત તમોએ જે ઉછેર્યું છે ઘર

જાણે નહિ ‘ચદ્રકાન્ત’ કોણ!

‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલે

એને તમારાં ના પગલાંની જાણ.

ઢગઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,

એમાં તમારા સ્મિતની ના શાન.

‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી

તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!

‘ચંદ્રકાન્ત’ તમે એમ માની ચાલી,

ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!

‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ

તોય,

મરચાના જેટલીયે,

ચાંચને તમારી પૂછો,

‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?

‘ચંદ્રકાન્ત’ નામ માટે

શબ્દોના મિનારા ચણ્યા,

સંબંધોનાં જાળ વણ્યાં,

પરઘેર પાણી ભર્યાં,

રંગલાના વેશ કર્યાં,

સાત સાત પૂછડાં ઉગાડ્યાંને કપાવ્યા કર્યાં!

કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,

અધકારો આંજી આંજી,

પ્રકાશોથી રંગી રંગી,

પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,

ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા,

ચદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!

ચારેકોર ચંદ્રકાન્ત

ખીચોખીચ

કીડિયારાં રચી રચી જીવે,

-એમાં હું હોઉં એવો સાચો

એક તો બતાવો મને

ચંદ્રકાન્ત ક્યાં છે?

કયાં છે?

કયાં છે?

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : મફત ઓઝા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1984