asankhya ratrione ante - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અસંખ્ય રાત્રિઓને અંતે

asankhya ratrione ante

રાવજી પટેલ રાવજી પટેલ
અસંખ્ય રાત્રિઓને અંતે
રાવજી પટેલ

શિયાળની લાળીમાં સરકે સીમ,

રાત્રિઓ પીપળની ડાળી પર થથરે;

લબડે શુષ્ક ચંદ્રનું પાંદ.

અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું

ફરફરતું...?

વંટોળ થઈ ને ચરણ ચડ્યા ચકરાવે,

પથના લીરા ચકવકર કંઈ ચડતા એની સાથે.

ક્યાં છે ભમ્મરિયાળા કેશ તમારા?

દોડું–શોધું...

ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય

ક્યાંક ક્યાં હડફેટાયો,

બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખો

પ્હાડ દબાયો,

વીંછણના અંકોડા જેવાં બિલ્ડિંગોથી

હરચક ભરચક શ્હેર દબાયાં,

જૂવા જેવું ગામ નદીને તટ ચોંટેલું, ચગદાયું.

હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે.

મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે!

ક્યાં છે સ્પર્શ-ફણાળો

હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો

કેવડિયો ક્યાં છે?

લાખ કરોડો વર્ષોથી

ચ્હેરો પથ્થરના ઘૂંઘટની પાછળ છૂપવી બેઠાં

માનવતી, ક્યાં છો?

ક્યાં છો?

વન ચંદ્રની કૂંપળ જેવી નજર કરો.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2