andhkarno pawan ruperi - Mukta Padya | RekhtaGujarati

અંધકારનો પવન રૂપેરી

andhkarno pawan ruperi

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
અંધકારનો પવન રૂપેરી
ચંદ્રકાન્ત શેઠ

અંધકારનો પવન રૂપેરી આવે,

હરિયાળાં મેદાન ફરકતાં આવે,

ઝાકળનાં મોતીના અઢળક મેઘ,

શય્યાની ચોગમ ઝબકીને હસતા ચાંદ અનેકઃ

દીવાલ સઘળી અંધકારના ફીણ મહીં ફેલાતી,

બારીમાંથી શય્યા સામે સીમ લગી લંબાતી!

શય્યાથી મેદાન હવે શું દૂર?

પાંખોથી આકાશ કેટલું દૂર?

હાથ જરા જો થાય ઊંચો તો હવા મહીં દ્રાક્ષ!

હોઠ જરા ફરકે તો ગીતનો અડી જાય રે સ્વાદ.

પ્હાડ બધા ધુમ્મસના તરતા પડખામાંથી સરતા.

એકલતાના ડંખ ફૂલ થૈ પારિજાતનાં ખરતા.

ગરમ લોહીનાં ઊછળે રાતાં ફૂલ!

શ્યામ લટોમાં ડોલે લિસ્સા મણિધર મુક્ત પ્રફુલ્લ.

હોઠ મહીં રે હોઠ ઓગળી જાય,

આંગળીઓનાં સ્નિગ્ધ ટેરવે જ્યોત ફૂટતી જાય.

અંધકારનો પવન રૂપેરી વાય;

કાળમીંઢ કો ખડક રેશમી કપોતમાં પલટાય.

કપોત કેરી શ્વેત હૂંફનો શય્યામાં સંચાર,

રોમ રોમમાં વ્યાપે એના ઊડવાનો વિસ્તાર

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989