sanyog - Mukta Padya | RekhtaGujarati

હું સ્નિગ્ધમાં સરકતો....

નભને અડી જતો

બે વ્યોમ હ્યાં તે લળતાં લગોલગ

ભરાયલાં જે પયના ભવિષ્યથી

ઘેરાયલાં લોચન અંધ, ઊઘડે

અંધારનું મંદિર, સ્પર્શ-સ્પર્શની

જ્યાં જ્યોત જાગે શર જેવી તીક્ષ્ણ

ફેલાયલા પવનથી ધ્રૂજતી અડી જતી

અંધારનું કાજળ ઘટ્ટ પાડતી

માંસ-માયા લઘુ અસ્થિ છાઈ

સર્વત્ર જે ગોરસ–સ્વાદ વ્યાપી

ત્યાં નાકમાં નાક-વિહંગ ગેલતાં

ને હોઠમાં હોઠ પ્રવેશી જાતાં

કો ગ્રીષ્મના રિક્ત તળાવની તૃષા

ઝઝૂમતો કુંતલ ધોધ છૂટ્યો

ભીંજાઈ રહેતો, જલના પ્રવાહ-શો

વેગેભર્યું ઝરણ ત્યાં મુજ રક્તનું ક્યાં

પામી જવા શિખર કોઈ અજાણ શૈલનું

ઊંચે ચઢે ધસમસ્યું, અણીદાર શીર્ષે

પ્હોંચ્યુ અને...

ત્યાં તે પડ્યા તારક છિન્નભિન્ન

અંધાર ઘેર્યા લઘુ ઓરડામાં....

-વેરણિયા સુદીર્ઘ

વ્હેરી રહ્યા ને થડ એક, ભિન્ન

ભાગમાં ઢળી પડ્યું, કહીં એક, બીજું

આઘું વળી અવશ ક્યાં....

અંધાર કમ્પી ઢળી નીંદમાં પડ્યો!

સ્રોત

  • પુસ્તક : સ્પર્શ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
  • વર્ષ : 1966