ahinthi alwida - Mukta Padya | RekhtaGujarati

અહીંથી અલ્વિદા

ahinthi alwida

રમેશ જાની રમેશ જાની
અહીંથી અલ્વિદા
રમેશ જાની

લ્યો, આવજો ત્યારે,

અહીંથી અલ્વિદા.....

તમારા સાથની સીમા અહીં પૂરી થતી.

જુઓ, શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના–

તમારી હૂંફને ડગલું આગળ માંડવાની છે મના!

જરા પાછું વળી જોયું–

તમારી વહેલને છેડે લટકતો ડોલતો દીવો

‘ના ના’ કહેતો’તો

છેલ્લી પળોને દાબતી ભીની હથેલીના સમો!

નિસ્પંદ સીમાંત વૃક્ષે

કાળ પાંખો બીડીને થીજી ગયો,

એકાન્તને અંગે લપેટી સર્પતો અંધાર પણ

અહીં ગૂંછળું થઈ ને કશો થીજી ગયો!

શિશુની આંખના ડૂમા સમો પંથ.....

વિસામાની હવે કોઈ રહી ના ખેવના

તમારી હૂંફને ડગલું આગળ માંડવાની છે મના.

–જુઓ, શ્વાસ પણ થંભી ગયા છે ફૂલના!

સ્રોત

  • પુસ્તક : પૂર્વા (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : રમેશ જાની
  • પ્રકાશક : અક્ષરા (મુંબઈ) પ્રકાશન
  • વર્ષ : 1984