Ae j Samanu - Mukta Padya | RekhtaGujarati

એ જ સમણું

Ae j Samanu

સુરેશ દલાલ સુરેશ દલાલ
એ જ સમણું
સુરેશ દલાલ

સવારે -

હાંફેલા સમયપશુની સાથ ધસતો :

મળે લોકો, સૌને કર દઈ દઈ ભાગ્ય કસતો.

નકામી વાતો ને અફળ મિલનોના રણ મહીં

તરીને ડૂબું છું : ખડખડ કરી ખોટું હસતો!

બપોરે -

હોટેલે જઈ વિરમતો કૉફી-કપમાં;

છરી-કાંટા વચ્ચે સમય જકડી હું અટકતો.

વળી પાછો ક્યૂમાં : સડક ઉપરે : ટાયર પર

સદાને ચક્રાવે અગતિ ગતિએ હું ભટકતો!

ફરી સાંજે -

છાપાં જડબધિરની પાસ કકળે

અકસ્માતો સાથે નવયુગલ ને રાજપુરુષો.

હવાના દાઝેલા પગ લથડતા ને વસવસો

લઈ કાળો કાળો દિવસભરનો પ્રાણ નીકળે!

નિરાંતે હું રાતે ઘર ભણી વળું સમણું :

લખું અંધારાના મખમલ પરે નામ નમણું!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980