aapne kyare malya’ta? - Mukta Padya | RekhtaGujarati

આપણે ક્યારે મળ્યા’તા?

aapne kyare malya’ta?

રમેશ જાની રમેશ જાની
આપણે ક્યારે મળ્યા’તા?
રમેશ જાની

આપણે ક્યારે મળ્યા'તા?....યાદ કંઈ ના!

ટ્રેનમાં, રસ્તા પરે કે કો સભામાં?

ક્યાંય નહીં? ક્યારેય નહીં?

....તો તો ક્ષમા!

પણ કોણ જાણે કેમ તમને દેખતામાં

એમ મનને થઈ ગયું કે ઓળખું છું

બહુ લાંબા સમયથી ઓળખુ છું!

તે એકલા તમને નહી....

કંઈ કેટલી યે વાર ઓચિંતા બસ, ઊભા રહી

મારગે ચાલી જતા જન રોકીઆ છે.

કોઈ હસતા, કો મૂંઝાતા....

તો કોઈ ભ્રમરો તંગ કરી ચાલી જતા'તા!

પીઠ કોની ચાલ કોઈ મદભરી કે લંગડાતી

તો હાસ્ય ને ખાંસી કોની

સાંભળ્યા જોયાં પહેલાં હોય ને....!!

ને ઘણી યે વાર એવું થઈ જતું કે

રસ્તે, સ્થળે, હું એકલો

આવી ગયો છું;

દૂર પેલા વૃક્ષની નીચે જરી હું

બે ઘડી બેસી ગયો છું!

પણ જવા દો વાત !

તમારી આંખમાં હું કંપને નીરખી રહ્યો છું.

નહી?.... તો તો ઘણો આભાર!

....સાચું પુછાવો તો મને

એનો ભય છે!

બસ!.... જશેા!

પણ આટલું થોભ્યા ભલા

તો એક વાત હજી કહું?

કેટલીયે વાર મિત્રો ઓળખીતાઓ

અરે! સ્વજનો કોઈ

સાવ અજાણ્યા લાગે છે.

કોઈ વેળા તેા ખરેખર,

એમનું પેલું સદાનું બોલવું ને ચાલવું

કે નીરખવું

એવાં કંઈ થઈ જાય છે કે

સાંભળ્યાં જોયાં કદી ના હોયને....!!

.... પણ એમની શી વાત?

કયારેક તે મુજને એવું થાય છે કે

હું ખરેખર, કોઈ બીજો તો નથી ને?

કદી તમને એવું....

....રે, તમે તો વાકય પૂરુ

સાંભળ્યા વિણ,

હાથ તો ઠીક, નેણને પણ મેળવ્યા વિણ,

.... ચાલી ગયા ને!!...

(૯ મે, ૧૯૬૦)

સ્રોત

  • પુસ્તક : પૂર્વા (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : રમેશ જાની
  • પ્રકાશક : અક્ષરા (મુંબઈ) પ્રકાશન
  • વર્ષ : 1984