trin ane tarko wachche - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તૃણ અને તારકો વચ્ચે

trin ane tarko wachche

ઉશનસ્ ઉશનસ્
તૃણ અને તારકો વચ્ચે
ઉશનસ્

ઘણીય વેળા

જાગી જતાં માઝમ રાતના મેં

જોયા કર્યો સ્ફટિકનિર્મલ અંધકાર.

ઘણા ઘણા તારક-ઓગળેલો,

કો સત્ત્વ શો ચેતન વિસ્ફુરંત,

પૃથ્વી તણી પીઠ પરે ઊભા રહી;

ભૂપૃષ્ઠ ને વ્યોમ વચાળ

કો વસ્ત્ર શો ફરતો વિશાળ

અડ્યા કરે ઝાપટ જેની રેશમી,

અંધાર મેં અનુભવ્યો કંઈ વેળ પૃથ્વીપે

રોમાંચના સઘન-કાનન-અંતરાલમાં

વાયુ તણી લહરી શો મૃદુ મર્મરંત.

આકાશના તારકતાંતણા ને

ધરાની તીણી તૃણપત્તીઓથી

વણાયલું વસ્ત્ર અંધકાર આ;

મેં જોયું છે ઘણીય વાર અસૂરી રાતે

કે તારકો ઝૂકત છેક નીચે ધરા પે,

રે કેટલાય પડતા ખરી, ઝંપલાવતા

તૃણની ટોચ વડે વીંધાઈ જૈ

પ્રોવાઈ

મોતી થવા, સૂરજ-તેજનું પીણું

પીવા;

જેને તમે ઝાકળ કહો પ્રભાતે-

–ને જોઈ છે મેં તૃણપત્તીઓને

ઊંચે ઊંચે વધતી આભ-પીઠે વવાઈ

(આકાશમાંયે ધરતી તણું ધરું! -)

તારા તણું ખેતર થૈ ફ્ળી જવા.

તારા તણાં કણસલાં કંઈ મેં દીઠાં છે;

-ને જોયું છે મેં મુજમાં રચાતું

માટી અને તેજનું ચક્રવાલ કો

લીલી અને ઉજ્જવલ ઝાંયવાળું!

મેં અંધકારે મુજને દીઠો છે

કાયાહીણો કેવળ પારદર્શક

કો, સૂક્ષ્મ સંવેદનશીલ માધ્યમ,

કો સ્તંભ ટ્રાન્સમીટરનો સીમમાં ઊભેલ?

ત્યારે મને કશુંક ભાન ઊંડું ઊંડું થતું:

જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો

આભ ને અવનીની અધવચ્ચ ક્યાંક,

જાણે

હું તારકો ને તૃણની બિચોબિચ,

છું તારકો ને તૃણથી ખીચોખીચ!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004