આજ થતું કે
Aaj Thatu Ke
ધીરેન્દ્ર મહેતા
Dhirendra Mehta
ધીરેન્દ્ર મહેતા
Dhirendra Mehta
આજ થતું કે
લાવ,
આભને અડું :
પવનનું ગવન ફરકતું
લાવ, અંગ પર ધરું;
દરિયાના આ
તરંગ તરંગ તરંગ ઉપર
ઠેકી ઠેકી
અહીં તહીં આળોટું...
લાવ, ઝાકળે લળું,
સુગંધે ભળું;
મારા સૂરને લાવી આપું
પંખીનું
ઝીણું ગળું...
લાવ, ઊંચકું પ્હાડ,
ચરણમાં આજે બાંધું ઝરણું;
ગુલમહોરના આખા વનની
ભીની મર્મર
એક સામટી
રોમરોમમાં વણું...
લે આ પારિજાની
કેસરિયાળી દાંડી લઈને
આજ તને હું લખું...
તને હું મળું...
તને હું મળું...
તને હું મળું...
(કવિમિત્ર રમેશ પારેખને અર્પણ)
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
