ઝૂલણાનુભૂતિ
Zhulananubhuti
જયન્ત વસોયા
Jayant Vasoya
જયન્ત વસોયા
Jayant Vasoya
હીંચકે ઝૂલતાં એક ખટકો થતાં આપમેળે ચડ્યો જીવ ઝોલે
ભાનનો લો૫ એવો થયો શું કહું ખુદ ચહું તોય ના ચિત્ત બોલે...
આ ધરા ડોલતી આભ પણ ડોલતું સ્વેદથી સિક્ત હું કંપ છૂટે
માંડ મેં જીરવી એ ઘડી જાતને ગેબગોળા સમા શબ્દ ફૂટે...
છંદના ભેદ હું સાવ ભૂલી ગયો જે સહજ અવતરે તેજ ઝીલું
દોહરા હોય કે ઝૂલણા યા ગઝલ લઈ હવે એકની મ્હેંક ખીલું...
ઝાંખને ફૂટતાં પાંખ ભાળું અહો વર્તુળો વિસ્તર્યા રંગધારી
મધ્યમાં બિંદુ ને બિંદુમાં સાંભળું મત્ત એ મૌનની વાત ન્યારી...
જાળ-જંજાળથી મુક્ત વિહરું બધે દૂરનું લાગતું સાવ પાસે
ખૂબ રાજી થયો દબદબાભેર હું દૃશ્યને પી ગયો એક શ્વાસે...
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર 1985 (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
