ઝાઝું ઝેર
zazu zer
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(મનહર છંદ)
કોઈ કહે અતિ ઝેર વિંછીતણા આંકડામાં,
કોઈ કહે તેથી ઘણું સરપના તનમાં;
કોઈ કહે હોય ઝેર હડકાયા કૂતરામાં,
કોઈ કહે હોય ઝેર વેરીના વચનમાં;
કોઈ કહે ઝેર ઘણું રહે રતનાગરમાં,
કોઈ કહે ઝેરતણાં ઝાડ ઝેરી વનમાં;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
ઝાઝું ઝેર સૌથી ઝેરી માણસના મનમાં.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 192)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
